લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી રહેતો સુરતમાં રહું છું, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવો છો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2026  |   1683

આજે મેડિકલ, પેરામેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ નીટ-યુજીની પરીક્ષા શરૂ થાય એ પૂર્વે અમરોલીની ગૌતમી કન્યા વિદ્યાલયનાં પરીક્ષા કેન્દ્ર ખાતે તૈનાત સ્ટાફ દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીનાં કોડ ઓફ કન્ડક્ટ અનુસાર એક વિર્દ્યાથિનીએ ગળામાં પહેરેલી કંઠી કાઢી નાંખવાનું કહેતા વિર્દ્યાથિનીનાં પિતા પરેશ કાછડિયા ઉશ્કેરાઇ ગયા હતાં અને રોષ સાથે કહ્યું હતું કે હું લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી રહેતો, સુરતમાં રહું છુ, હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવો છો, બીજી સ્કુલમાં મારા મિત્રની દીકરીનાં ગળામાંથી કંઠી નથી કઢાવી તો મારી દીકરીનાં ગળામાંથી કંઠી કેમ કઢાવી. એ સમયે ઉપસ્થિત કેટલાક વાલીઓએ આ ઘટનાનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું. નીટ યુજી પરીક્ષાના કડકાઇભર્યા કોડ ઓફ કન્ડક્ટથી અજાણ પિતાએ સ્ટાફ કંઠી કઢાવી નાંખવાની કાર્યવાહીને મોટું સ્વરૂપ આપીને ઉંચા અવાજે બોલવાનું શરૂ કરતા અન્ય વાલીઓનું પણ ધ્યાન એ તરફ ગયું હતું અને હોબાળો મોટો થઇ ગયો હતો. જોતજોતામાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયો હતો અને સુરતમાં નીટ યુજી પરીક્ષા સમયે કોઇ મોટી ઘટના બની હોય એમ રજનું ગજ કરી નાંખ્યું હતું. હકીકતમાં મેડીકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટના પરીક્ષાર્થીઓ માટે અત્યંત કડકાઇભર્યા કોડ ઓફ કન્ડક્ટ હોય છે, ભૂતકાળમાં બનેલા ચોરી ગેરરીતિઓનાં કિસ્સાઓમાંથી બોધપાઠ લઇને નીતિ નિયમોને વધુ ચુસ્ત બનાવવામાં આવતા હોય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution