મુંબઈ-

ડાન્સરમાંથી ઍક્ટર બનેલા ધર્મેશ યેલાન્ડેએ હવે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝને ડિરેક્ટ કરવી છે. ધર્મેશ પહેલાં વડોદરામાં ઉસળ-પાંઉ વેચતો હતો અને ૨૦૦૯માં તે ટીવી પર ડાન્સ રિયલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' દ્વારા ખૂબ જ જાણીતો બની ગયો હતો. ૨૦૧૦માં આવેલી 'તીસ માર ખાન'માં તેણે પહેલી વાર ડાન્સ કોરિયોગ્રાફી કરી હતી. જોકે 'એબીસીડી' દ્વારા તે ઍક્ટર પણ બની ગયો હતો અને તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. જોકે હવે તેની ઇચ્છા ડિરેક્ટર બનવાની છે. આ વિશે વાત કરતાં ધર્મેશે કહ્યું હતું કે 'હું હંમેશાં એવું વિચારતો હતો કે હું ડાન્સમાં જ આગળ વધીશ એથી મેં ડાન્સ-શોમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ હું ફેમસ બન્યો અને મેં કોરિયોગ્રાફી કરી. હું ઍક્ટર પણ બન્યો અને મેં વિચારવાનું બંધ કરી દીધું. મને જે પસંદ પડે અને મારી પાસે જે હશે એ હું કરીશ એવું મેં નક્કી કરી લીધું હતું. હવે મારે ફિલ્મ અથવા તો વેબ-સિરીઝ ડિરેક્ટ કરવી છે. હું હાલમાં સ્ક્રિપ્ટ લખી રહ્યો છું અને મને લાગે છે કે એ આવતા વર્ષ સુધીમાં પૂરી થશે. આ વિશે હું વધુ વાત કરી શકું એમ નથી.'