વડોદરા, તા.૨૫

ઉત્તર-પૂર્વ તરફથી ૧૨ કિ.મી. ઝડપે બર્ફિલા પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો ૧૧.૪ ડિગ્રીએ પહોંચતાં તીવ્ર ઠંડીના સપાટાથી નગરજનો ઠૂંઠવાયાં હતાં. તેમાંય સવારે અને મોડી સાંજ પછી ઠંડીનો ચમકારો વધુ તીવ્ર થતાં મોટાભાગના લોકોએ બારી-બારણાં બંધ કરીને ઘરોમાં જ રહેતાં ક્રિસમસ પર્વની ઉજવણીને લઈને કેટલાક માર્ગોને બાદ કરતાં મોટાભાગના માર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા.

ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક દિવસથી હિમવર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનો સપાટી ફરી વળ્યો છે, તેની સીધી અસર હેઠળ વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. શનિવારે ૧૦.૦૬ ડિગ્રી સેન્ટિગ્રેડ સાથે મોસમનો કોલ્ડેસ્ટ-ડે રહ્યા બાદ આજે તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. પરંતુ ઉત્તર-પૂર્વ તરફથી ૧૨ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતાં લોકો ઠૂંઠવાયાં હતાં. ઠંડી વધવાની સાથે ગરમ વસ્ત્રો ખરીદવા માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન રપ.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા, જે સાંજે ૪૭ ટકા અને ઉત્તર-પૂર્વ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧ર કિ.મી. નોંધાઈ હતી.