/
મોદી સમાજ વર્ગીકૃત જ નથી તો બદનક્ષી કેવી ઃ રાહુલ ગાંધી

સુરત, તા.૨૪

મોદી અટકને લગતા વિવાદી નિવેદન બદલ માનહાનીની ફરિયાદ સંદર્ભે સુરત કોર્ટમાં હાજર થયેલાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના વિશેષ ફાઈનલ સ્ટેટમેન્ટ બાદ ૧૨ જુલાઈએ ફરી સુનાવણીની મુદત કોર્ટમાં પડી છે. તેની સાથે ફરિયાદ પક્ષની ફાઈનલ સ્ટેટમેન્ટ બાદ પણ બીજીવાર સાક્ષીઓ સહિત ફરી તપાસની માગ કોર્ટે ફગાવી હતી. આ કેસમાં રાહુલ ગાંધી બીજીવાર સુરત આવ્યા અને ૧૨ જુલાઈની મુદત સાથે ૪૭મીવાર કેસમાં મુદત પડી છે. રાહુલ ગાંધીએ ૩૪ સવાલોનો જવાબ ‘ના’ આપ્યો હતો જ્યારે અન્ય કેટલાક સવાલોમાં ‘આઇ ડોન્ટ નો’ જણાવ્યું હતું તો ૮થી૧૦ સવાલોમાં હકારમાં જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મોદીજાતિ કે મોદી સમાજનું અલગ અસ્તિત્વ કે વર્ગીકરણ થયું જ નથી તો બદનક્ષી કેવી રીતે થઇ.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની ચૂંટણી સભામાં સભી ચોરોકા ઉપનામ મોદી ક્યું હૈ એવું નિવેદન કર્યું હતું. આ નિવેદન બદલ સુરતના ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેના સંદર્ભમાં બીજીવાર સુરત આવેલા રાહુલ ગાંધીએ કોર્ટમાં ફાઈનલ સ્ટેટમેન્ટ આપ્યું હતું.

તેમણે સ્ટેટમેન્ટમાં કહ્યું કે કોઈ જ્ઞાતિ માટે કે સમૂહ માટે આ સ્ટેટમેન્ટ મેં આપ્યું નથી. ત્યારબાદ ફરિયાદ પક્ષ દ્વારા ફાઈનલ સ્ટેટમેન્ટ બાદ પણ કેસની મુદત લંબાવવા પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં નામદાર જજે ફાઈલ સ્ટેટમેન્ટ અંગે કોઈ બીજાે આદેશ કે વાંધા વિરોધ નહીં હોવાથી પૂર્ણ કર્યું હતું. અંતે કેસની વધુ સુનાવણી માટે ૧૨ જુલાઈનો આદેશ કર્યો હતો. લગભગ ૪૫ જેટલાં સવાલોમાં રાહુલ ગાંધીએ ૩૪ જેટલાં સવાલોમાં ના અને ૮ જેટલાં સવાલોમાં હા તથી કેટલાકમાં જાણતો નથી એવા જવાબો આપ્યા હતા.

રાહુલ ગાંધી સાથે એડવોકેટ કિરીટ પાનવાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ બાબુ રાયકા અને લિગલ સેલના એડવોકેટ ફિરોઝખાન પઠાણ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારબાદ બપોરે ૧૨ કલાકે સુનાવણી પૂર્ણ થતાં તેઓ સીધા એરપોર્ટ ગયા હતા. ત્યાં પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી નવા જનરલ સેક્રેટરીની માગ પૂર્ણ કરવાનું કહ્યું હતું.ત્યારબાદ ૧.૩૦ કલાકે તેમની ફ્લાઈટ દિલ્હી જવા રવાના થઈ હતી.

ગરીબી, મોંઘવારી-બેરોજગારીને કારણે હું મોદી માટે બોલ્યો હતો

રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદની સન ૨૦૧૪થી ૨૦૧૯ના કાર્યકાળમાં ગરીબી, મોંઘવારી અને બેરોજગારી વધી હતી. હું વિરોધપક્ષનો નેતા હોવાથી લોકોના હિત માટે આવા મુદ્દાઓ ઉઠાવવા પડે છે. આથી કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ૧૩ એપ્રીલના રોજ કહેલું, જાે કે મને મારા ભાષણના શબ્દો યાદ નથી. મોદી સરકારનું શાસન ટ્રાન્સ્પરન્ટ નથી. તેમજ સોશિયલ હાર્મની પણ ઘટી રહી છે. અનિલ અંબાણીને રાફેલ સોદામાં સરકારે મોટો ફાયદો કરાવી આપ્યો હતો. આ મુદ્દે ચૂંટણી દરમિયાન મારા વક્તવ્યમાં નરેન્દ્ર મોદી અને નીરવ મોદી વગેરે માટે હું બોલ્યો હતો. હું કોઈ જ્ઞાતિ કે સમૂહ માટે આ વાક્ય બોલ્યો નથી. મોદી નામની કોઈ જાતિ જ નથી. મને બધા સમાજ માટે આદર છે. આ બાબતે હાલમાં મને કંઈ બધુ યાદ નથી. ર્નિભયપણે ચુંટણીના મુદ્દાઓ પર બોલી શકાય છે અને બંધારણ પ્રમાણે તે જરૂરી છે. નરેન્દ્ર મોદીની કોઈ બદનક્ષી કરી નથી. મોદી સમાજ નામનો કોઈ સમાજ જ વર્ગીકૃત થયો નથી અને તેથી તેની બદનક્ષી થઈ શકે નહી. તેમ છતાં, તેઓ દરેક જાતિ અને ધર્મ તરફ પ્રેમ અને આદરની ભાવના રાખે છે.જાે કે, ઘણાં બધાં ભાષણો આપેલા હોય, ચોકકસ શબ્દો મને યાદ ન જ હોય. ખોટી રીતે અને અશુધ્ધબુધ્ધિથી તેમની સામે બદનક્ષીની ફરીયાદો દેશના વિવિધ પ્રાંતોમાં કરાઈ રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution