રાજપીપલા, તા.૧

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનાં ચંદેરીયા ખાતે ગુજરાતના સ્થાપના દિવસ ૧ મે ના રોજ આમ આદમી પાર્ટી અને બીટીપીએ આદીવાસી સંકલ્પ મહા સંમેલન યોજી આવનારી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની જાહેરાત કરી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે પેહલા અંગ્રેજાેએ શોષિત કર્યા હવે પોતાનાં જ કરે છે, મોટા મોટા પ્રોજેક્ટો બનાવી લાખો આદીવાસીઓને ભાજપે વિસ્થાપિત કર્યા છે.પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કટાક્ષમાં જણાવ્યું હતું કે ભારતના સૌથી ૨ અમીર વ્યક્તિઓ પણ ગુજરાતના છે અને દેશનાં સૌથી ગરીબ એવા આદીવાસીઓ પણ ગુજરાતનાં છે. દાહોદ, છોટાઉદેપુર સહિત અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારના મોટે ભાગના આદીવાસીઓ ગરીબી હેઠળ જીવે છે ભાજપ સત્તામાં છે ત્યાં સુધી અમીરોને વધારે અમીર બનાવશે.આમ આદમી પાર્ટી ગરીબોની પાર્ટી છે.દિલ્હીના લોકો તો મને ખૂબ જ પ્રેમ કરે છે પણ હું ગુજરાતીઓનો પ્રેમ માંગવા આવ્યો છું.

કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ઘણાં ભાવુક છે, એક વાર જેને પ્રેમ કરે એને આજીવન પ્રેમ કરે છે.હું ગુજરાતના ૬.૫ કરોડ લોકો સાથે દિલથી દિલનો સબંધ બનાવવા આવ્યો છું.ચોરી, ભ્રષ્ટાચાર અને ગંદી રાજનીતિ કરતા મને નથી આવડતી મને ફકત કામ કરતા આવડે છે.ગુજરાતની શાળાઓની બદતર હાલત છે, પૂરતા શિક્ષકો નથી.દિલ્હીનું શિક્ષણ પેહલા કહેતા હમણાં ઘણું સારું થઈ ગયું છે, દિલ્હીની સરકારી શાળાઓનું ઇતિહાસમાં સૌથી વધુ ૯૯.૭ ટકા રીઝલ્ટ આવ્યું છે. આ વર્ષે દિલ્હીના ૪ લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમિશન લીધું છે, હવે દિલ્હીની દરેક બેન્ચ પર જજ, અધિકારી અને રિક્ષા ચાલકનો છોકરો સાથે બેસી અભ્યાસ કરશે, આ જ ડો.બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું જે દિલ્હી સરકારે પૂરું કર્યું.દિલ્હીમાં ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે.જાે ગુજરાતમાં એવું કરવું હોય તો ભાજપનો ઘમંડ તોડવા માટે એક વખત અમને તક આપો.૫ વર્ષમાં જાે અમારું કામ સારું ન લાગ્યું તો અમને લાત મારી સત્તા માંથી બહાર તગેડી મુકજાે.અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મહારાષ્ટ્રના છે, ભાજપને ૬.૫ કરોડ ગુજરાતી માંથી કોઈ યોગ્ય વ્યક્તિ ન મળ્યો કે મહારાષ્ટ્રના વ્યક્તિની પસંદગી કરી, મહારાષ્ટ્રથી ગુજરાતનું શાસન ચાલે એ ગુજરાતીઓનું હળ હળતું અપમાન સમાન છે.

જ્યારે બિટીપીના સ્થાપક અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શાસન વ્યવસ્થા ખરાબ હોવાથી આદીવાસીઓ સહિત આમ જનતા ભોગવવાનો વારો આવ્યો છે.. દેશ અને ગુજરાતની સરકારે શિક્ષણનું નામો નિશાન મિટાવી દીધું છે.ભાજપ સરકાર સરકાર આદીવાસીઓનું બજેટ ખાઈ જઈ ઉધોગપતિઓને આપી દે છે.ભાજપ અને કોંગ્રેસની સરકારે આદિવાસી વિસ્તારમાં ૪,૭૦૦ ડેમ બનાવી ૩ કરોડ આદીવાસીઓને વિસ્થાપિત કર્યા છે. આપણી સત્તા આવશે તો જ આપણાથી જીવાશે બાકી જીવી નહિ શકાય. ભારત એક પેહલો એવો દેશ છે જેના મત નથી એ લોકો સત્તા ભોગવી રહ્યા છે અને જેમના મત છે એ લોકો વેઠી રહ્યા છે.જયારે બિટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભરૂચ દૂધધારા ડેરીની વા.ચેરમેન મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશના ગરીબોને બે ટંકના રોટલા માટે હિજરત કરવી પડે છે.ભાજપ કોંગ્રેસે દેશની હાલત ખરાબ કરી દીધી છે. કોરિડોર, લિંક પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મોટા મોટા ડેમો બનાવી આદિવાસીઓની જમીનો છીનવી લીધી.ઉકાઇ અને નર્મદા ડેમ જેવા મોટા ડેમ હોવા છતાં પણ સ્થાનિકોને સિંચાઈનું તો છોડો પણ પીવાનુ પાણી પણ મળતું નથી.