11, જુન 2022
891 |
ભાવનગર, રાજ્યોમાં રાજપૂતો-ક્ષત્રિયોનુ પ્રભુત્વ છે એવાં રાજ્યો-શહેરોમાં “કરણીસેના” દ્વારા પ્રથમ રેલી થી કાર્યક્રમોની શરૂ કરી છે. ત્યારે હવે રાજ્યના અલગ અલગ શહેરોમાં કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવત સભાઓ-પત્રકાર પરિષદો યોજી રહ્યાં છે ત્યારે આજરોજ ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. રાજશેખાવતે રાજકીય પક્ષો પાસે રાજપૂતો અને ક્ષત્રિયો માટે ટિકિટની માગ કરી હતી. ક્ષત્રિયો-રાજપૂતોની સંખ્યા પણ વિશાળ છે. ત્યારે આ જ્ઞાતિઓનુ સૌથી મોટું સંગઠન “કરણીસેના” સમાજના અલગ અલગ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ સાથે રાજપૂત-ક્ષત્રિયો ને એક તાંતણે જાેડવાનું કાર્ય બખૂબી રીતે કરી રહ્યું છે. આ સિવાય દેશના આદિ ઈતિહાસની ઐતિહાસિક ધરોહર સાથે તેનો માન-મરતબો અકબંધ જળવાઈ રહે એ સિવાય હવે આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમા પણ કરણીસેના પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી છે.
ભાવનગર શહેર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકાર પરિષદ યોજી હતી અને શેખાવતે હુંકાર સાથે જણાવ્યું હતું કે દેશમાં રાજ-રજવાડાકાળમાં સુ-શાસન અકબંધ હતું. આદી ઈતિહાસની અવમૂલ્ય કે અવગણના ન થાય એ મુદ્દે કરણીસેના આગામી ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂંટણી લડશે. વધુમાં શેખાવતે જણાવ્યું હતું કે, રાજનીતિ અમારા રક્તમા વહે છે આવનાર ચૂંટણીમાં રાજકીય પક્ષો કરણીસેનાના ઉમેદવારોને ટિકિટ આપે તો સારી વાત છે બાકી અપક્ષ ઉમેદવારી નોંધાવી કરણીસેનાના ઉમેદવારો ચૂંટણી લડશે અને જરૂર જણાયે રાજ શેખાવત ખુદ ચૂંટણી લડી સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.