દિલ્હી-

કોરોનાએ લોકોની મુશ્કેલી વધારી દીધી છે. ખાસ કરીને લોકોના ખિસ્સા પર આ મહામારીએ ખરાબ અસર કરી છે. આ મુશ્કેલ ઘડીએ એક વસ્તુ ચોક્સપણે શીખવાડી છે અને તે છે બચત. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નોકરી ચાલુ હોય ત્યાં સુધીમાં તેની પાસે સારી રીતે રોકાણ થયેલું હોય અથવા તો વૃદ્ધાવસ્થામાં એક સારું એવું પેન્શન મળે તેવું થાય.

એવી અનેક સરકારી યોજનાઓ છે જેમાં નાનું રોકાણ કરીને પણ તમારી આ મુશ્કેલી દૂર થઈ શકે છે. પરંતુ અનેકવાર આવી યોજનાઓ વિશે માહિતી હોતી નથી. પરંતુ અમે આજે તમને એક એવી યોજના વિશે જણાવીશું કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જશે.

ખુબ જ લોકપ્રિય થઈ રહી છે આ યોજના

એવા અસંગઠિત ક્ષેત્રો કે ઓછી આવકવાળા લોકો માટે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા માટે મોદી સરકારની એક ખાસ સ્કીમ પીએમ શ્રમયોગી માનધન છે. આ સ્કીમ દ્વારા દર મહિને ખુબ જ ઓછી રકમ જમા કરવા પર 60 વર્ષની ઉંમર બાદ મંથલી 3000 રૂપિયા કે 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મળી શકે છે.

આ સ્કીમ હેઠળ 18 વર્ષથી 40 વર્ષની ઉંમર વચ્ચે કોઈ પણ ભારતીય નાગરિક સરળ શરતો સાથે તેની જોડે જોડાઈ શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યાં મુજબ 10 સપ્ટેમ્બર 2021 સુધીમાં આ સ્કીમ સાથે લગભગ 45.11 લાખ જોડાયા છે.

માનવી પડશે આ શરતો

પીએમ શ્રમ યોગી માનધન યોજના નાના કામદારોના સારા ભવિષ્ય માટે સરકારે શરૂ કરી છે. પરંતુ આ યોજનામાં એક શરત એ છે કે યોજના સાથે જોડાનાર વ્યક્તિની મંથલી આવક 15 હજાર રૂપિયાથી વધુ ન હોય. સરકારની આ યોજના સાથે જોડાનારા લોકોમાં પુરુષો કરતા મહિલાઓ વધુ આગળ છે. આ યોજનામાં કોઈ પણ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા નાગરિક જોડાઈ શકે છે.

પીએમ શ્રમ યોગી માનધનનો ફાયદો રોજ પર કામ કરતા મજૂરથી લઈને મેઈડ, ડ્રાઈવર, ઈલેક્ટ્રિશિયન, અને સ્વીપર કે આ પ્રકારના તમામ વર્કર્સ ઉઠાવી શકે છે.