વડોદરા : ખાણ અને ખનિજ વિભાગમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારને કારણે કુદરતી સંપત્તિ લુંટાઈ રહી છે અને રાજ્ય સરકાર આવક ગુમાવી રહી છે. શહેર નજીકના ફાજલપુર ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાંથી પ્રતિબંધિત ડ્‌્રેજિંગ દ્વારા રેતી ઉલેચવામાં આવતી હોવાનો વીડિયો ખાણ અને ખનિજ વિભાગના અધિકારીને સવારે મોકલી અપાયા હતા. તેમ છતાં મોડી સાંજ સુધી કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતાં અનેક સવાલો ઊભા થયા છે.

ખાણ અને ખનિજ વિભાગની કાર્યવાહી હંમેશાં વિવાદોમાં રહે છે. મહત્ત્વની વાત તો એ છે કે ગેરકાયદે રેતીખનનની ફરિયાદો છતાં કાર્યવાહી નહીં કરાતી હોવાનું બહાર આવ્યું છે. જેમાંલ આજે ફાજલપુર પુલ નજીક મહિસાગર નદીના પટમાં બે બોટ પાણીમાં ઊભી રાખી ડ્રેજિંગ કરી હિટાચી મશીન દ્વારા ડમ્પરોમાં રેતી ભરાતી હોવાનો વીડિયો જાગૃત નાગરિકે ઉતારી ખાણ અને ખનિજ વિભાગના પ્રામાણિક કહેવાતા અધિકારી નીરવ બારોટને મોકલી અપાયો હતો.

જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો મીડિયા સંસ્થા અને પત્રકારોને મોકલાયો હતો. જ્યારે ખાણ અને ખનિજ વિભાગના અધિકારી નીરવ બારોટને તો જાગૃત નાગરિકે વીડિયો મોકલી આપી આ લોકો ઉપર તમારી સારી મહેરબાની છે એવો કટાક્ષ કરી ફાજલપુર મહિસાગર વડોદરા એમ લખી મોટાપાયે થતા ડ્રેજિંગના ફોટા અને વીડિયો વોટ્‌સએપ કર્યા હતા તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કટાક્ષ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જાગૃત નાગરિક દ્વારા અગાઉ પણ આવી ફરિયાદો રેતીમાફિયા અંગે કરાઈ હશે. આ વિસ્તારમાં લાંબા સમયથી રેતીમાફિયાઓનું વર્ચસ્વ રહ્યું છે અને ઘણીવાર હરીફ માફિયાઓ વચ્ચે મોટા ઘર્ષણના બનાવો પણ બન્યા છે. તેમ છતાં ખાણ અને ખનિજ વિભાગની ભેદી ચુપકીદી અનેક સવાલો ઊભા કરે છે.

રેતીમાફિયાઓ પુનઃ સક્રિય બની બેફામ બન્યા

અગાઉ આ સ્થળ ઉપર ગેરકાયદેસર રેતીના ડમ્પરોને રોકી એકસાથે ૧ર ડમ્પરોને આગ લગાડી દેવાતાં ફાયર, પોલીસ સહિત અન્ય વિભાગો દોડતા થયા હતા અને આ મામલે લોહિયાળ જંગ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે થોડા સમય શાંત રહ્યા બાદ ફાજલપુર મહિસાગર નદીના પટમાં રેતીમાફિયાઓ ફરી સક્રિય બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.