10, મે 2025
વડોદરા |
2574 |
વડોદરા શહેર પોલીસ બાદ હવે હોસ્પિટલો પણ તૈયાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે યુદ્ધ શરૂ થાય તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન તમામ મેડિકલ સુવિધાઓ સાથે સજ્જ થઈ રહ્યું છે. અલબત્ત વડોદરાના ઓર્થોપેડીક, સર્જન, ફિઝીયોથેરાપી અને એનેસ્થેશીયા તબીબો મળી 15 તબીબોની યાદી તૈયાર કરવામા આવી રહી છે. આ ટીમ ગુજરાત સરકારના આદેશ મુજબ કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર રહેશે. અલબત્ત વડોદરાની 191 હોસ્પિટલો ઉપર રેડ ક્રોસ લગાવવામાં આવશે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરાના પ્રમુખ મિતેશ શાહે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને IMA અને વડોદરા હોસ્પિટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં દરેક હોસ્પિટલમાં આગામી 3 માસ સુધી ચાલે તેટલો દવા, સર્જીકલ સાધનો, પુરતી ઓક્સિજન માત્રાનો જથ્થો રાખવા તેમજ ડોક્ટરોની ટીમ, પેરા મેડિકલ સ્ટાફનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સહિત શહેરની વિવિધ બ્લડ બેંકો દ્વારા 12 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા
આ ઉપરાંત વડોદરા હોસ્પિટલ એસોસિએશન દ્વારા એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તબીબોને સ્વૈચ્છિક સેવા કરવા માટે અપીલ કરવામાં આવી છે કે, જે ડોક્ટરોને સંભવિત યુદ્ધ સમયે સેવા કરવી હોય તેવા 15 તબીબોની યાદી તૈયાર કરવામાં આવશે. જેમાં ઓર્થોપેડિક, સર્જન, ફિઝીશીયન અને એનેસ્થેસીયા તબીબોનો સમાવેશ કરવામાં આવશે અને ગુજરાત સરકાર જ્યાં પણ ડેપ્યુટ કરશે ત્યાં આ ટીમ જવા માટે તૈયાર રહેશે. આઈ.એમ.એ. વડોદરાના પ્રમુખ મિતેશ શાહે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના આદેશ અનુસાર હાઇરાઇઝ હોસ્પિટલ બિલ્ડીંગો ઉપર રેડક્રોસ લગાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેરની 25 બેડથી વધુ સુવિધા ધરાવતી એવી 191 હોસ્પિટલો આઇડેન્ટીફાય કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલોને રેડિયમ રેડ ક્રોસ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાનમાં રાખીને વડોદરા સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ સહિત શહેરની વિવિધ બ્લડ બેંકો દ્વારા 12 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યા છે.