08, જુલાઈ 2025
ગાંધીનગર |
4158 |
24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 153 તાલુકાઓમાં વરસાદ
સમગ્ર રાજ્યમાં મેધરાજાએ જમાવટ કરી છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 153 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ આણંદના જિલ્લાના બોરસદ તાલુકામાં 3.90 ઇંચ તથા પંચમહાલના ગોધરામાં 3.62 ઇંચ વરસાદ નોંધાયો છે.
આણંદ જિલ્લામાં સોમવારે બપોર પછી કાળા ડિબાગ વાદળો છવાયા હતા. બોરસદ તાલુકામાં ચાર કલાક સુધી સતત વરસાદ થયો હતો જેથી ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા કેટલાક ભાગોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા હતા. જ્યારે જિલ્લામાં તારાપુરમાં 21 મી.મી, સોજીત્રામાં 21 મી.મી, ઉમરેઠમાં 12 મી.મી, આણંદમાં 31 મી.મી વરસાદ થયો હતો.
ઉપરાંત કચ્છના ગાંધીધામમાં 2.28 ઇંચ અને માંડવી, સિહોર, ખંભાળિયા, અંજાર, સાવલી, આણંદ અને નડીયાદ તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નખત્રાણા, તારાપુર, સોજિત્રા, ડભોઇ, મોરબી, સંખેડા, ગળતેશ્વર, અબડાસા, જેતપુરપાવી, મોરવા હડફ, લાલપુર, લખપત, ડાંગ આહવા અને છોટાપુરમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7 થી 10, જુલાઇ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.