મિડલ ઇસ્ટનાં યુદ્ધને પગલે સુરતથી હીરા-ઝવેરાત સહિતની કરોડોની આયાત-નિકાસ સ્થગિત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ફેબ્રુઆરી 2026  |   3267

સુરત, ૨૦૨૬ કેલેન્ડર વર્ષનાં ફેબ્રુઆરી મહિનાનાં અંતિમ દિવસ શનિવારે ઇઝરાયેલ-અમેરિકાએ ઇરાન પર કરેલા ભીષણ હુમલા પછી સમગ્ર વિશ્વની માલસામાનની સપ્લાય ચેઇન ખોરવાઇ જવા પામી છે. મિડલ ઇસ્ટ (મધ્ય પૂર્વ)ની તમામ ફ્લાઇટો અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવામાં આવી છે જેને કારણે સુરતથી થતી હીરા-ઝવેરાત સહિતનાં કરોડો રૂપિયાનાં માલસામાનની આયાત નિકાસ અટકી ગઇ છે. સુરતનાં હીરા ઉદ્યોગમાં કાચા હીરાની ઇમ્પોર્ટ તેમજ પોલિશ્ડ ડાયમંડ્સ તેમજ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, એગ્રો પ્રોડક્ટ્સ, ફિશરીઝ પ્રોડક્ટની મોટા પાયે નિકાસ વિદેશમાં થાય છે અને તે પણ એરકાર્ગોથી થાય છે. મહિને દહાડે સુરતથી એવરેજ ૫૦૦ ટન માલસામાનની હેરફેર એરકાર્ગો વડે થાય છે અને એ વાયા બેંગલુરુ થઇને વિદેશમાં ગંતવ્ય સ્થાને પહોંચે છે. હીરાઉદ્યોગનાં એક આગેવાને જણાવ્યું કે શનિવારે બપોરથી તમામ એરલાઇન્સે જાહેરાત કરી કે મિડલ ઇસ્ટનાં તમામ દેશોની આવતી અને જતી તમામ ફ્લાટ્સ તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. એવી જ રીતે દુબઇ, અબુધાબી, શારજાહ, કતર, કુવૈત, રિયાધ વગેરે એરપોર્ટનું ઓપરેશન્સ પણ અટકાવી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સુરતથી હીરા ઝવેરાતની તમામ પ્રકારની નિકાસ વાયા એરકાર્ગો અને તે પણ દુબઇ થઇને જ યુરોપ કે અમેરીકા પહોંચે છે. આજે ફ્લાઇટો બંધ થતાં તેની ઇમિડીયેટ ઇફેક્ટ નિકાસના પાર્સલો પર પડી છે અને કરોડો રૂપિયાની કિંમતનું ઝવેરાત જે તે એરપોર્ટ પર થંભી ગયું છે હવે જ્યારે ફ્લાઇટ સંચાલન રાબેતા મુજબનું થશે ત્યારે એ પાર્સલ આગળ વધી શકશે. એથી વિશેષ મિડલ ઇસ્ટના સૌથી મહત્વના ગણાતા દુબઇ એરપોર્ટ પર પણ કામકાજ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ૨૦૦૨માં યુક્રેન પર અમેરીકાએ કરેલા હુમલા બાદથી રફ ડાયમંડ્સનાં વેચાણનું કેન્દ્ર દુબઇ શીફ્ટ થવા માંડ્યું હતું. વિશ્વમાં દર ૧૦માંથી ૮ કાચા હીરાનું કટિંગ પોલિશિંગ જ્યારે સુરતમાં થતું હોય છે ત્યારે સુરતનાં હીરા ઉદ્યોગને જરૂરી કાચો માલ (કાચા હીરા)નો મોટા ભાગનો સપ્લાય દુબઇ અથવા તો બેલ્જિયમથી થાય છે. મિડલ ઇસ્ટનાં ફ્લાઇટ ઓપરેશન ખોરવાઇ જતાં હવે આગામી દિવસોમાં કાચા હીરાનાં પાર્સલ પણ આવવામાં વિલંબ થશે અને જ્યાં સુધી એર કાર્ગો, ફ્લાઇટ્સ પૂર્વવત નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ ખોરવાયેલી રહેશે. એવી જ રીતે સુરતથી એગ્રો પ્રોડેક્ટસ તેમજ ફિશિરઝ પ્રોડક્ટસ ખાસ કરીને ઝીંગાનો સપ્લાય પણ મિડલઇસ્ટમાં થાય છે, આ સપ્લાય પર પણ શનિવારથી જ રોક લાગી ગઇ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ, સુરતથી નિકાસ કરવામાં આવેલો માલ શનિવારે જ્યાં છે ત્યાં જ આગામી દિવસો સુધી પડ્યો રહે તેવી સ્થિતિ જાેવા મળી રહી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution