લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
3663
વીમા કંપનીઓ આરોગ્ય વીમા દાવા દાખલ કરવા કોઈ જાતની સમયમર્યાદા લાદી શકે નહિ, આવી સમયમર્યાદા બિલકૂલ ગેરકાયદેસર છે તેમ જણાવી બોમ્બે હાઈકોર્ટે યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીને એક વીમાધારક તથા તેની પત્નીના કુલ રૂ. ૧.૧૩ લાખના આરોગ્ય વીમા દાવાઓ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
હોસ્પિટલમાં દાખલ થયાની નિર્ધારિત ૯૦ દિવસની લિમિટ પૂૂર્ણ થયા પછી દાવો દાખલ કરાયો છે એમ જણાવી કંપનીએ ક્લેઈમ નકારી કાઢ્યો હતો. ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે ઠરાવ્યું હતું કે સમયગાળાની સમાપ્તિ પર વીમાધારકના અધિકારોને ખતમ કરતી પોલિસી મુદત ભારતીય કરાર અધિનિયમની કલમ ૨૮(બી)ની વિરુદ્ધ છે અને તેથી તે રદબાતલ છે.અરજદાર, સીપી રવિન્દ્રનાથ મેનને, તેમના એમ્પ્લોયર, એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રુપ હેલ્થ વીમા કવચનો લાભ લીધો હતો. ૨૪ મે, ૨૦૨૨ ના રોજ, તેમણે બેંક દ્વારા પોતાના અને તેમની પત્ની માટે અલગ અલગ સમયગાળા માટે ચાર વીમા દાવા સબમિટ કર્યા હતા, જે કુલ રૂ. ૧.૧૩ લાખ હતા.