બેંગલુરુ-

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ૯ મહિનાના બાળકનું મોત અને પરિવારના ચાર સભ્યોની કથિત આત્મહત્યાનો ચોંકાવનારો કિસ્સા પ્રકાશમાં આવ્યો છે. તેમજ પાંચ દિવસથી આ મૃતદેહો સાથે ઘરમાં રહેતી અઢી વર્ષની બાળકીને પોલીસે સહિસલામત ઘરની બહાર કાઢી છે. શુક્રવારે રાત્રે બેંગલુરુના બ્યાદરહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરની અંદર પાંચ મૃતદેહો મળી આવ્યા હતા, જ્યાંથી પોલીસે અઢી વર્ષની બાળકીને બહાર કાઢી હતી. બાળકી લગભગ બેભાન હાલતમાં મળી આવી હતી.

બાળકી તે જ ઘરમાં રહેતી હતી જ્યાં તેની માતા સિનચના (૩૪), દાદી ભારતી (૫૧), માતાની બહેન સિંધુરાની (૩૧), માતાનો ભાઈ મધુસાગર (૨૫) ના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકી તે રુમમાંથી મળી આવી હતી જ્યાં તેના મામા મધુસાગરનો મૃતદેહ મળી આવ્યો હતો.પોલીસે જણાવ્યું કે પડોશીઓએ તેમને જાણ કરી કે શંકર અને તેના પુત્ર મધુસાગર વચ્ચે ઝગડો થયો હતો. હાથાપાયીના આ ઝગડા બાદ શંકર ઘરની બહાર ચાલ્યા ગયા હતા. આ ઘટના બાદ પરિવારે રવિવારે જ આત્મહત્યા કરી લીધી હશે. કારણ કે મૃતદેહો વિકૃત હાલતમાં મળી આવ્યા હતા અને ફોરેન્સિક નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃત્યુ પાંચ દિવસ પહેલા થયું હોય તેમ લાગી રહ્યું છે. જાેકે, પોસ્ટમોર્ટમ બાદ તેની પુષ્ટિ હજુ થવાની બાકી છે. ઘરમાં તમામ લોકોના મૃતદેહ અલગ અલગ રુમમાંથી મળી આવ્યા છે. જેમાં શંકરની પત્ની ભારતીનો મૃતદેહ હોલમાં, સિનચના અને સિંધુરાનીનો મૃતદેહ ૯ માસના બાળકના મૃતદેહ સાથે ઘરના પ્રથમ માળે એક રૂમમાં મળી આવ્યો હતો. જ્યારે મધુસાગર પોતાના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. ઘરમાં ત્રણેય સંતાનોના અલગ અલગ રૂમ હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પત્રકાર શંકરે શુક્રવારે રાત્રે પડોશીઓ અને પોલીસની મદદથી દરવાજાે તોડ્યો. શંકરે પોલીસને જણાવ્યું હતું કે તે પરિવારના સભ્યોને ત્રણ દિવસ સુધી ફોન કરી રહ્યો હતો જાેકે તેનો જવાબ મળી રહ્યો નહોતો. બાળકીને સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે બાળકીને સારવાર અને કાઉન્સેલિંગની જરૂર પડશે. આ મામલાની તપાસ કરી રહેલી બ્યાદરહલ્લી પોલીસે જણાવ્યું કે મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. જાે કે પ્રાથમિક દ્રષ્ટીએ આ આત્મહત્યાનો કેસ લાગે છે, પરંતુ પોસ્ટમોર્ટમમાં તેની પુષ્ટિ થવી જાેઈએ. અધિક પોલીસ કમિશ્નર (પશ્ચિમ) સૌમેન્દુ મુખર્જીએ જણાવ્યું હતું કે આ પાંચ લોકોના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું, 'અમને ઘરમાંથી કોઈ મૃત્યુ નોંધ મળી નથી. મધુસાગરના પિતા શંકર આઘાતની સ્થિતિમાં છે. જેવા તે સ્વસ્થ થશે કે પોલીસ તેની પૂછપરછ કરશે જેનાથી કેસ અંગે માહિતી મળી શકે છે. દરમિયાન શંકરે કહ્યું છે કે તેની પુત્રીઓ પતિ સાથે ઝઘડો કરીને ઘરે પરત આવી ગઈ હતી. જાેકે તેમની સમસ્યા ઉકેલવા અને તેમને તેમના પતિ પાસે પરત મોકલવાને બદલે, તેની પત્નીએ ભારતીએ બંને દીકરીઓને પોતાની સાથે રાખી લીધી હતી. શંકરે કહ્યું, “મેં મારી દીકરીઓ સિનચના અને સિંધુરાનીને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સખત મહેનત કરી છે. પુત્ર મધુસાગર પણ એન્જિનિયર હતો. તે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. દીકરીના કાન વીંધવાના મામલે પતિ સાથેના ઝગડા બાદ સિનચના ઘરે પરત ફરી હતી. અમારે ત્યાં આર્થિક સ્થિતિને લઈને કોઈ સમસ્યા નહોતી. તેમણે નાની બાબતે આ ઘાતક પગલું ભર્યું છે.