સુરેન્દ્રનગર, હળવદથી ૧૮ કિલોમીટર દુર આવેલા ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ભારે વરસાદ તુટી પડતા પળવારમાં ગામમાં પાણીની સ્થિતિ સર્જાઇ હતી. એક તરફ ફલકું નદી અને એક તરફ બ્રહ્માણી નદી વચ્ચે ગામ ટાપુમાં ફેરવાઇ જતા સાંજે પરત ફરી રહેલા બે માલધારીના ઘેટાં-બકરાં પણ તણાઇ ગયા હતા. જાે કે સરકારી તંત્ર હજુ પણ આ બાબતથી અજાણ હોવાનું સામે આવ્યું છે. હળવદ તાલુકા મથકેથી ૧૮ કિલોમીટર દુર બ્રાહ્મણી નદી અને ફલકુ નદી કિનારે વસેલા ચિત્રોડી ગામે મોડી સાંજથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદ એક તબક્કે તો જાણે આભ ફાટ્યું હોય તેમ વરસવા લાગ્યો હતો. જેના કારણે બંન્ને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. જેના કારણે એક ભરવાડના ૨૫થી ૩૦ જેટલા ઘેટા પાણીના પ્રવાહમાં તણાયા હતા.