અમદાવાદ-

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કોલ્ડ-વેવની આગાહી કરી હતી. રાજ્યનાં આઠ શહેરોમાં પારો 10 ડિગ્રી નીચે જતું રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછું ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજી આગામી બે દિવસ ઠંડા પવનો ફૂંકાશે.

રાજ્યમાં ફરી એક વાર કડકડતી ઠંડીનો અનુભવ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં અને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે કોલ્ડ-વેવની સ્થિતિ યથાવત રહેશે. રાજ્યનાં આઠ શહેરોમાં બે આંકડાથી નીચે તાપમાન નોંધાયું છે. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડ્યું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં 9થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. કાશ્મીરમાં આ વર્ષે ઠંડીએ ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પારો ગગડતો જાય છે. ત્યારે હવે હવામાન વિભાગે ફરી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે. અત્યારે પણ સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11, ગાંધીનગરમાં 9 તથા રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી અને ડીસામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.