જામનગરમાં એટીએમમાંથી પૈસા ઉપાડતાં બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડયા

જામનગર, જામનગરમાં એક એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતાં બે પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. જેઓએ એટીએમમાંથી નાણાં ઉપાડી લેવાનો નવો જ કીમિયો હાથ ધર્યો હતો અને બેંકમાંથી નાણાં એટીએમ મશીનમાંથી ઉપડી જાય પરંતુ મશીનની સ્વીચ બંધ કરી દેતા હોવાથી બેંક ખાતામાં એન્ટ્રી ન પડે, અને તેટલી રકમ બેંક મારફતે ખાતામાં જમા કરાવી લઇ નવતર પ્રકારે ફ્રોડ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. એલસીબીની ટુકડીએ બન્ને શખસો પાસેથી ૩૦ એટીએમ કાર્ડ કબજે કરી લીધા છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ નવતર છેતરપિંડીના કિસ્સા અંગેની વિગતો એવી છે કે જામનગરના જાેગર્સ પાર્ક વિસ્તારમાં આવેલા બેન્કના એટીએમ માં પૈસા ઉપાડવા માટે આવેલા બે અજાણ્યા શખસોની શંકાસ્પદ હિલચાલ વિશે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી, અને તેઓ દ્વારા એટીએમ મશીનમાં ગોટાળા કરીને નાણાં કાઢી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના અનુસંધાને એલસીબીની ટુકડીએ વોચ ગોઠવીને બે શખ્સોને અટકાયતમાં લઇ લીધા હતા તે બંનેને એલસીબીની કચેરીએ લઇ જવાયા પછી તેઓના નામ પુછતાં એક શખસે પોતાનું નામ વારીસખાન પઠાણ અને બીજાનું નામ અંસારખાન ક્યૂમખાન હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા બન્ને શખ્સોની તલાશી લેવામાં આવતાં તેઓના કબજામાંથી જુદી જુદી બેન્કોના ૩૦ થી વધુ એટીએમ કાર્ડ અને બે મોબાઇલ મળી આવ્યા હતા. ઉપરાંત ફ્રોડના માધ્યમથી એકઠી કરેલી કેટલીક રોકડ રકમ મળી આવી હતી. બંને શખસોની પૂછપરછ શરૂ કરાઇ હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમની પૂછપરછ દરમિયાન બંને શખ્સો પોતાના વતનમાંથી નીકળ્યા પછી જુદા જુદા રાજ્યમાં થઈને જામનગર આવ્યા હતા અને પોતાના મિત્ર વર્તુળ, ઉપરાંત સગાસંબંધીઓ, વગેરેના ૩૦થી વધુ એટીએમ કાર્ડ મેળવી લીધા હતા જે એટીએમ કાર્ડ માટે જુદા જુદા બેંકોના એટીએમ મશીનમાં તપાસણી કરતા હતા. જ્યાં એટીએમ મશીનને ચાલુ બંધ કરવાની સ્વીચ ધ્યાનમાં હોય તે સ્થળે ઊભા રહીને સૌપ્રથમ બેંકના મશીનમાં એટીએમ કાર્ડ નાખીને નાણાં કાઢવાની પ્રક્રિયા હાથ ધરતા હતા, જે દરમિયાન ચલણી નોટ બહાર આવે ત્યારે જ મશીનની સ્વીચ બંધ કરી દેતા હતા અને મશીનમાં સલવાયેલી ચલણી નોટોને ખેંચી લેતા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution