કાસરગોડ-
કેરળના કાસરગોડમાં એક લગ્ન દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન નહીં કરવાના કારણે વર વધુ સહિત ૪૩ મહેમાનો કોરોના વાયરસના સંક્રમણની લપેટમાં આવી ગયા છે. પોલીસે આ મામલે છોકરીના પિતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પિતા વિરુદ્ધ કેરળ મહામારી કાયદા અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ લગ્ન પ્રસંગનું ૧૭ જુલાઈના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે લગ્ન પ્રસંગમાં ૫૦થી વધારે લોકો સામેલ થયા હતા. પરિવાર સહિત લગ્નમાં આવેલા તમામ મહેમાનોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી વર-વધૂ સહિત ૪૩ લોકો કોરોનાગ્રસ્ત મળી આવતા ચિંતાનો માહોલ સર્જાયો છે. કાસરગોડમાં અત્યારે કોરોનાના કુલ ૬૫૮ કેસ નોંધાયા છે.
નોંધનીય છે કે બિહારમાં એક લગ્નમાં ૧૧૧ લોકો કોરોના વાયરસના સંક્મણમાં આવી જવાથી હાહાકાર મચી ગયો હતો. પટનાના પાલીગંજના આ લગ્નની સૌથી દુઃખદ વાત એ બની હતી કે લગ્નના બીજા જ દિવસે વરરાજાનું કોરોનાના કારણે મોત નિપજ્યું હતું. જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર ૧૫ જૂનના રોજ લગ્ન હતા જેના બીજા જ દિવસે વરરાજાનું મોચ નિપજ્યું હતું. ત્યારબાદ તમામના ટેસ્ટ કરાતા ૧૧૧ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.