લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
ડભોઈ તાલુકાના પૂડા ગામે બે બાઈક વચ્ચે અકસ્માતને લીધે થયેલા ઝઘડામાં એક દલિત યુવકને લાકડી, દંડા અને પાઈપ વડે ઢોર મારમારવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. હુમલાખોરોએ દલિત યુવાનના પગમાં દોરડું બાંધીને તેને ઢસેડ્યો હતો અને થાંભલા સાથે માથું પછાડીને ગંભીર ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે ડભોઈ પોલીસે ફરિયાદને આધારે એક મહિલા સહિત આઠ જણા સામે ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. વડોદરાના તરસાલી બાયપાસ પર આવેલી પુષ્પક રેસિકોમમાં રહેતા અને મકરપુરા જીઆઈડીસીની એક દુકાનમાં નોકરી કરતા હાર્દિક વિનોદભાઈ પરમારે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ડભોઈ તાલુકાના પૂડા ગામે મારું બીજુ એક ઘર આવેલુ છે. થોડા દિવસ પહેલા હું મારા માતા-પિતા અને પત્ની સાથે ગામડામાં રહેવા ગયો હતો. દરમિયાન એક દિવસે હું મારા એક મિત્ર સાથે ક્રિકેટ રમવા નીકળ્યો હતો.
પરત ફરતી વખતે ગામના એક યુવાન અર્પણ હરીવદન પાટણવાડિયાની બાઈક સાથે મારો અકસ્માત સર્જાયો હતો. જેથી ઉશ્કેરાયેલા અર્પણે મારી ઉપર હુમલો કર્યો હતો. થોડી જ વારમાં અર્પણના બીજા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમણે પણ મને લાકડી, દંડા અને પાઈપ વડે મારમાર્યો હતો. ઉપરાંત, તેઓ દોરડું લઈ આવ્યા હતા અને મારો પગ બાંધી દીધો હતો. તેઓ મને ઢસેડી ઢસેડીનો મારવા લાગ્યા હતા.