સુખની શોધમાં : સુખી થવા માટે દુઃખને છોડવું પડે

હસમુખભાઈ ચા પીતા પીતા છાપામાં રાશિફળ ધ્યાનથી વાંચી રહ્યા હતા. ભાવનાબહેને ખાલી કપ લેતાં પૂછ્યું, ‘શું જડ્યું?’

‘હું સુખનાં દા’ડા શોધતો હતો ને આમાં લખે છે પનોતી!’ આ સાંભળી ભાવનાબહેન ખડખડાટ હસી પડ્યા.


નાના બાળકોને ઊંઘમાં હસતાં જાેયા હશે, બાળક સાવ નાની નાની વાતે સહજ ખુશ થઈ હસી શકે છે અને એટલે જ સૌના દિલમાં વસે છે


નાની મોટી કોઈપણ વ્યક્તિને જુઓ દરેકને સુખની તલાશ છે. અને છતાં જ્યાં જુઓ ત્યાં દુનિયામાં દુઃખ જાેવા મળે છે! દરેક માણસને કોઈ ને કોઈ ફરિયાદ છે, કશુંક ખૂટે છે. કોઈકને સંબંધોમાં અસુખ છે, ક્યાંક કોઈ શારિરીક પીડા ભોગવી રહ્યું છે, કોઈ પૈસે ટકે સંઘર્ષ કરી રહ્યું છે, કોઈને ધાર્યા મુજબનો ધંધો નોકરી કે કામમાં સફળતા નથી મળી, તો વળી કોઈ એકલતામાં પીડાય છે. દુઃખનાં કારણો અનેક હાથવગા જડી જાય છે! અને સુખ શોધ્યે જડતું નથી! ત્યારે વિચાર આવે કે દુનિયાના દરેક માણસને સુખ જાેઈએ છે તો માણસ માણસથી આટલો દુઃખી કેમ છે? સુખી થવા માટે દુઃખને છોડવું પડે. પણ આપણે તો આપણી ભીતર દુઃખને એમ સંગ્રહી રાખીએ છીએ જાણે એ કોઈ અમૂલ્ય વસ્તુ હોય! એમ કહેવાય કે આપણી પાસે જે હોય તે જ આપણે બીજાને આપી શકીએ. આપણી ભીતર કડવાશ, દુઃખ, નફરત, ઈર્ષા, વેરઝેર ભર્યા પડ્યા હશે તો આપણે એ જ આપીશું. અને જે આપણે આપીશું તે સામે મેળવીશું. આપણે સામે મળતી વ્યક્તિને વગર કારણે પણ સ્મિત આપીશું તો સામે સ્મિત મળશે. સુખ શેર કરવાથી વધે છે અને બીજાને ખુશી આપવાથી આપણે પણ ખુશ થઈએ છીએ.


આમ જાેઈએ તો સુખ એ વ્યક્તિગત અનુભવ છે, જે દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. વેકેશનની રજા પડતાં હાલ સ્કૂલ બંધ થઈ, એવા સમયે બાળકો માટે તો મજાનાં દિવસો આવ્યા છે, જ્યારે સ્કૂલનાં બાળકોને લેવા-મૂકવા આવતી રિક્ષા કે વાનનાં ડ્રાઈવરો કે પછી સ્કૂલની આસપાસ બાળકો માટે નાની નાની વસ્તુઓ વેંચતા લારીવાળા માટે કમાણીનો સ્ત્રોત બંધ થતાં આકરા દિવસો કહેવાય. સુખની વ્યાખ્યા વ્યક્તિ વ્યક્તિએ અલગ છે અને સમય સંજાેગો સાથે પણ બદલાય છે! આ ‘સુખ’ બે અક્ષરનો શબ્દ કદમાં નાનો પણ વ્યાપમાં વિરાટ છે. સુખની શોધ એ મનુષ્યના જીવનનું ધ્યેય છે, માણસના અસ્તિત્વના અંત સુધી ચાલનારી અવિરત યાત્રા છે. જ્યારે કશુંક ઈચ્છિત વસ્તુ કે વ્યક્તિ મળે ત્યારે એ ક્ષણ સુખની પળ બની જાય. આ પળે જે છે તે ગમતું કરવું એ સુખી થવાની કળા છે. શ્રીમદ રાજચંદ્ર કહેતા કે જે થાય છે તે થવા દેવું, ઈશ્વર પાસે ન કોઈ ફરિયાદ કરવી કે ન તો ઘાંઘા થઈ જવું, સદા સુખી રહેવાનો આ હાથવગો ઉપાય છે.


માણસ માત્રની દોડ સુખ મેળવવા માટે છે. પણ આ સુખ કઈ બલાનું નામ છે ને કયા મળશે? વિશ્વ વિજેતા સિકંદર અને ડાયોજિનસનો કિસ્સો યાદ આવે છે. નદી કિનારે ર્નિવસ્ત્ર રેતીમાં સૂતેલા ડાયોજિનસને ત્યાંથી ઘોડા પર પસાર થતાં સિકંદરે જાેયા. ડાયોજિનસ અદ્‌ભુત આનંદિત ફકીર હતા. આ સ્થિતિમાં પણ આટલાં આનંદિત જાેઈ સિકંદરને આશ્ચર્ય થયું આથી તેણે ઘોડા પરથી નીચે ઉતરી ડાયોજિનસને કશુંક માંગવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે તું થોડો આઘો જા, મારા પર આવી રહેલાં સૂર્યપ્રકાશ અને પવનને તું રોકી રહ્યો છે. ડાયોજિનસની સુખની વ્યાખ્યા જુદી હતી. અને વિશ્વવિજેતા થઈને પણ સિકંદર સુખી થઈ શક્યો નહોતો. એટલે જ તો કહેવાય છે કે માણસ ગમે તેટલો પૈસાદાર કે સત્તાધીશ કેમ ન હોય પણ સુખ શાંતિ ખરીદી શકાતા નથી.


નાના બાળકોને ઊંઘમાં હસતાં જાેયા હશે. બાળક સાવ નાની નાની વાતે સહજ ખુશ થઈ હસી શકે છે અને એટલે જ સૌના દિલમાં વસે છે. ઉંમર વધતાં આપણે કંઈક મેળવવાની દોડમાં એવા તો દોડીએ છીએ કે આસપાસ જાેવાનું ભૂલતા જઈએ છીએ. આપણે સુખી થવા માટેના લક્ષ્ય બહુ મોટા ઊભા કર્યા છે. આપણને નવી ઊર્જા જાેમથી ભરી દે એવું બધું જ સતત આપણી આસપાસ જ ક્યાંક મોજૂદ છે. પરંતુ એ નાના નાના સુખ તરફ આપણી દ્રષ્ટિ જતી જ નથી! રાતના બારીમાંથી દેખાતો ચાંદ – તારાઓનો વૈભવ, સવારના પક્ષીઓનો કલરવ, સૂર્યોદય સમયે આકાશમાં ફેલાયેલાં રંગો, ફૂલો પતંગિયા, કૂદતી ખિસકોલી, કલબલ કરતાં બાળકો, ઘરના વડીલનું બોખું સ્મિત, ઘરકામ કરતાં ગીતો ગાતી હીરુબેન... આવું કેટકેટલું... આ બધું આપણાં ચહેરા પર સ્મિત રેલાવવા પૂરતું છે! આ આપણાં નાના નાના સુખ જીવનને સદા હર્યુંભર્યું રાખે જાે એને અનુભવતા શીખીએ તો.


સુખની શોધ એ માણસ માટે નિરંતર પ્રક્રિયા છે. કસ્તૂરી નાભિમાં હતી ને મૃગ એ સુગંધની શોધમાં આમતેમ દોડતું રહ્યું! આપણી હાલત પણ કઈંક આવી જ છે. સુખની શોધ એ ‘સ્વ’ની યાત્રા છે. બાલ્કનીની રેલિંગ પર કેટવૉક કરતાં કબૂતરને જાેઈ એટલું સમજાય છે કે નિજાનંદ જેવુ બીજું કોઈ સુખ નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution