રાજકોટ,તા.૧૭

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં તાપમાનનો પારો ગગડતા કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે. ત્યારે ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં ૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સગીરાનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર ૪ માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ ૮ માં અભ્યાસ કરતી રીયા કિરણકુમાર સાગર (ઉ.વ.૧૭)એ આજે સવારે ૭.૧૦ ની આસપાસ સ્કૂલવેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. ૭.૩૦ ની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાથનાખડમાં પ્રાથના કરી હતી. બાદમાં ધોરણ ૮ માં ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ ૧૦૮ ને જાણ કરી હતી. આમ છતાં સમયસૂચકતા દાખવી સ્કૂલ સંચાલકોએ રીયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલવેનમાં બેસાડી તાકીદે દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જયાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.

બનાવ અંગેની જાણ માલવીયાનગર પોલીસને કરવામાં આવતા એ.એસ.આઈ કે.યુ. વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા. રિયાના પરિવારને જાણ કરી તેના મૃતદેહને પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતક રીયા બે બહેનમાં

મોટી હતી.

નાની બહેનનું નામ નિરાલી છે. તેના પિતા સોનીકામ કરે છે. સોની પરિવાર અગાઉ ૧૦ વર્ષથી યુગાન્ડાના કંપાલામાં રહેતા હતા. કોરના કાળમાં કોરોના કેસો વધી જતાં તે રાજકોટ સ્થાયી થયા હતા.

આ ઉપરાંત અન્ય એક બનાવમાં કોઠરીયા સોલવન્ટ પાસે સિતારામ સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ પરિવારના ૧૦ વર્ષના પુત્રનું ઉલ્ટીઓ થયા બાદ તબિયત બગડતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. સિતારામ સોસાયટી એ-૧માં રહેતાં કિર્તીભાઇ મારડીયાના પુત્ર કૃપાલ (ઉ.વ.૧૦)ને ગઇકાલે રાતે એકાએક ઉલ્ટીઓ થવા લાગતા બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેઙયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તૌફિકભાઇ જૂણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર કૃપાલ બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૫ માં ભણતો હતો. તેના પિતા કિર્તીભાઇ દરરોજ અલગ અલગ વિસ્તારોમાં ભરાતી બજારમાં છુટક વેપાર કરે છે. લાડકવાયાના અણધાર્યા મૃત્યુથી પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.