વડોદરા, તા.૧૫

વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરી આવેલી છે તે વોર્ડ નં.૧૩માં આવેલ રાજસ્તંભ સોસાયટીમાં ડ્રેનેજના પાણી ઊભરાઈને લોકોના ઘરોમાં આવતાં અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ કાર્યવાહી નહીં કરાતાં લોકોએ પાલિકાતંત્રની સામે રોષ વ્યક્ત કર્યો હતો. ઊભરાતાં ડ્રેનેજાેને લઈને સોસાયટીના કેટલાક રહીશો બીમારીમાં સપડાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ સંદર્ભે વોર્ડ નં.૧૩ના કાઉન્સિલર બાળુ સુર્વેએ મ્યુનિ. કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે, શહેરની મધ્યમાં પોલોગ્રાઉન્ડની પાસે આવેલી રાજસ્તંભ સોસાયટીમાં છેલ્લાં કેટલાંય મહિનાઓથી ડ્રેનેજ ઊભરાવવાની ફરિયાદો દિવસે ને દિવસે વધી રહી છે. સોસાયટીમાં બ્લોક નં. ૧૪પ થી ૧૬૩ માં રહેતા રહીશોની હાલત ખૂબ જ કફોડી બની ગયેલ છે. આ બ્લોકમાં રહેતા સીયાબેન કમળાની ગંભીર બીમારીમાં સપડાયાં છે. તંત્ર દ્વારા કામચલાઉ સફાઈ કર્યા બાદ ડ્રેનેજ લાઈનો ફરી ભરાઈ જાય છે. હવે નાગરિકોના ઘરોની અંદર ડ્રેનેજના મલિન પાણી આવી રહ્યાં છે. આ પાણી પીવાના પાણીની સાથે ભળી જાય તો સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીઓમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળશે. તેથી આ વિસ્તારમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. આવા ગંભીર પ્રશ્ન સામે વહીવટીતંત્ર કાર્યપાલક ઈજનેર ઉત્તર ઝોન ઉદાસીન વર્તન રાખી રહ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની નજીક આવેલ આ સોસાયટીના પ્રશ્નોનો કાયમી નિકાલ ન લાવનાર કર્મચારી સામે પગલાં લેવા અને વેરો ભરીને પણ આવી દયનીય હાલતમાં રહેતા રહીશોને પોતાનો હક્ક મળી રહે તે માટે ડ્રેનેજની કામગીરી વહેલીતકે અને કાયમી ધોરણે સાફ થાય તે માટે જરૂરી સૂચના આપવા માગણી કરી છે.