વડોદરા, તા. ૨૪

વડોદરાના હરણી લેક ઝોનમાં ૧૮મી જાન્યુઆરીએ બનેલી ગોજારી દુર્ઘટનામાં જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ કરી અહેવાલ રાજ્યના ગૃહ વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો. અહેવાલમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, હરણી મોટનાથ તળાવ વિકસાવવા માટે પીપીપી ધોરણે કોટિયા પ્રોજેક્ટને આપ્યા બાદ ક્યારેય સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. સાત વર્ષમાં માત્ર બે વખત સુરક્ષા અંગે પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં પણ સેફટી મેજર્સની વિગતો માગવામાં આવી હતી. જેના જવાબમાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા સબ સલામત હૈ જણાવતા કોર્પોરેશને સંતોષ માન્યો હતો.

તત્કાલીન કલેકટર અતુલ ગોરને ૧૮મી જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ વડોદરાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરી અહેવાલ ગૃહ વિભાગને ૧૦ દિવસમાં સુપરત કરવા આદેશ કર્યો હતો. જાેકે, અતુલ ગોરને અહેવાલ તૈયાર કરતા ૨૧ દિવસનો સમય લાગ્યો હતો. જે અહેવાલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ અહેવાલમાં કોર્પોરેશનની પણ ક્ષતિ સામે આવી છે. અહેવાલમાં જણાવ્યું છે કે, કોર્પોરેશન દ્વારા કોટીયા પ્રોજેક્ટ સાથે ૨૦૧૭માં ૨૦મી જુલાઈના રોજ કોન્ટ્રાકટ કરવામાં આવ્યો હતો. જે બાદ ૨૦૧૯ ફેબ્રુઆરીમાં એક વખત અને ૨૦૨૨ નવેમ્બરમાં બીજી વખત માત્ર પત્ર લખી કેટલીક વિગતો માંગવામાં આવી હતી. જેમાં ૨૦૧૭માં કંપ્લિશન સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ કોપી, ઓપરેશન મેન્ટેનન્સની માહતી આપવા જણાવાયું હતું. જેના જવાબમાં કોટીયા પ્રોજેક્ટ દ્વારા બધી જ શરતો એગ્રીમેન્ટ પ્રમાણે પૂરી કરાઈ છે તેમ જણાવતા કોર્પોરેશને સંતોષ માની લીધો હતો. જયારે ૨૦૨૨ના પત્રમાં ફાયર એનઓસી, ઇન્સ્યોરન્સ અને સિક્યોરિટી સિસ્ટમની માહિતી માંગવામાં આવી હતી. જાેકે, આ બે પત્ર સિવાય સાત વર્ષના સમયમાં એક પણ અધિકારી ક્યારેય સ્થળ મુલાકાતે કે તપાસે આવ્યા જ નથી. માત્ર બે પત્ર અને તેના જવાબથી જ સંતોષ માની લેવામાં આવ્યો છે.

ઉપરાંત અહેવાલમાં તત્કાલીન કલેક્ટર અતુલ ગોર દ્વારા કોર્પોરેશનની જવાબદારી હોવા છતાં તેમને માત્ર સુફિયાણી સલાહ જ આપી હતી. અહેવાલમાં અતુલ ગોરે કોર્પોરેશનને સલાહ આપતા ઉલ્લેખ્યું છે કે, કોર્પોરેશને વિશેષ વ્યવસ્થા કરવી જાેઈએ. જેનાથી રેગ્યૂલરલી સાઇટ ઇન્સ્પેક્શન થઈ શકે. તો બીજી તરફ સ્કૂલની જવાબદારી નક્કી કરતા અતુલ ગોરે અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે, સ્કૂલ મેનેજમેન્ટે ધ્યાન રાખવાનું હતું કે, વિદ્યાર્થીઓની ઉંમર કેટલી છે અને તેમને ક્યાં પ્રકારના પ્રવાસે લઇ જવાય. તેમજ જ્યાં લઇ જવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાના સાધનોની શું વ્યવસ્થા છે તે જાેવાની જવાબદારી પણ શાળા સંચાલકોની જ બને છે.

પોલીસે ઇન્સ્પેક્શન રિપોર્ટ માગ્યો પણ હતો જ નહીં

કોન્ટ્રાકટ આપ્યાના સાત વર્ષમાં એક પણ વખત સ્થળ તપાસ ન કરનાર કોર્પોરેશનના અધિકારીઓ ઘટના બન્યા બાદ સ્થળ તપાસ માટે ગયા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમની પાસે ઇન્સ્પેક્શન રિપોર્ટ માગ્યો હતો. જાેકે, કોર્પોરેશનના અધિકારીઓ પાસે કોઈ રિપોર્ટ હતો જ નહીં જેથી સુપરત કરવાનો કોઈ સવાલ જ ઉભો થતો નથી. પરંતુ પોલીસ સમક્ષ કોર્પોરેશને સ્વીકાર્યું હતું કે, હરણી લેકમાં બધી જ છ બોટના એન્જિન બંધ હતા.

બોટ પર તેની ક્ષમતાની માહિતી ન હતી

તત્કાલીન કલેકટરે તેમના અહેવાલમાં એફએસએલ રિપોર્ટનો પણ ઉલ્લેખ કર્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે, નિયમ અનુસાર બોટ પર તેની ક્ષમતાની માહિતી આપવાની હોય છે. પરંતુ એફએસએલમાં બોટ પર ક્ષમતાની માહિતી આપવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ લાઈફ જેકેટની સંખ્યા પણ પૂરતી ન હતી. કલેકટર કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, દુર્ઘટના નોર્થ જેટીથી ઉપડેલી બોટમાં બની હતી. જયારે મુસાફરોને બોટમાં બેસવાની વ્યવસ્થા માત્ર સાઉથ જેટી પર જ હતી. જાેકે, નોર્થ જેટી પર જરૂરિયાત મુજબના લાઈફ જેકેટ હતા.

કોટિયા પ્રોજેક્ટ દ્વારા માત્ર રૂપિયા ૧માં તળાવ માગવામાં આવ્યું હતું

તત્કાલીન જિલ્લા કલેકટરે રજૂ કરેલા અહેવાલમાં પાલિકા તરફથી આપવામાં આવેલા તમામ દસ્તાવેજાેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોન્ટ્રાક્ટર પાસે જ્યારે ભાવ પત્રક માગવામાં આવ્યા ત્યારે કોટિયા પ્રોજેક્ટ તેમજ મંગલમ કન્સ્ટ્રક્શન બન્નેને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ૨૩મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજથી કોટિયા પ્રોજેકટસ દ્વારા સિંગલ ભાવપત્ર મોકલવામાં આવ્યા હતું, જેમાં પ્રતિ વર્ષ માત્ર રૂ. ૧ના પ્રીમિયમની ઓફર કરી હતી. જે બાદ કોટિયા પ્રોજેક્ટને ૨૮મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજ કોર્પોરેશન દ્વારા પ્રીમિયમ વધારવા માટે જણાવાયું હતું. જે બાદ ૨૯મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજ પત્ર લખી પ્રિમિયમમાં વધારો કરી રૂ. ૩,૦૧,૧૧૧ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરના અહેવાલમાં અન્ય કઈ માહિતી આપવામાં આવી હતી

• હરણી મોટનાથ તળાવ ડેવલોપ કરવાની કોર્પોરેશનની સ્થાયી સમિતિ અને સભાની દરખાસ્ત

• કોર્પોરેશન દ્વારા કોટિયા પ્રોજેક્ટ સાથે કરવામાં આવેલા એમઓયુની વિગતો

• મોટનાથ તળાવના ડેવલોપમેન્ટની દરખાસ્ત સાથેના તમામ જરૂરી દસ્તાવેજાે

• એમઓયુ અનુસાર સ્કોપ ઓફ વર્ક

• હરણી ગ્રામ પંચાયતનો પાલિકામાં સમાવેશ થયાની વિગતો