મુંબઇ 

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે EDએ બોલિવૂડ ફિલ્મમેકર દિનેશ વિજનના ઘર તથા ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિનેશ વિજન તથા સુશાંત સિંહે ફિલ્મ 'રાબ્તા'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુશાંત તથા ક્રિતિ સેનન હતા. આ ફિલ્મ અંગે કરવામાં આવેલા પેમેન્ટ અંગે સવાલ છે. આ જ કારણે ED તપાસ કરી રહી છે.

2017માં નવ જૂનના રોજ 'રાબ્તા' ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી દિનેશ વિજને ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ રોમેન્ટિક-એક્શન હતી. આ ફિલ્મને દિનેશ વિજને કો-પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મમાં સુશાંત-ક્રિતિ ઉપરાંત જિમ સરભ, રાજકુમાર રાવ તથા વરુણ શર્મા મહત્ત્વના રોલમાં હતા. ફિલ્મમાં પુનર્જન્મ એંગલ પણ બતાવવામાં આવ્યો હતો. રિલીઝ પહેલા ફિલ્મ અંગે ખાસ્સો બઝ હતો પરંતુ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. સુશાંત તથા ક્રિતિએ પહેલી જ વાર આ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંત તથા ક્રિતિના અફેરની ચર્ચાઓ પણ થવા લાગી હતી. 

આત્મહત્યા કેસ સ્પષ્ટ થયા બાદ CBI હવે એ જાણવા માગે છે કે સુશાંતે કેમ આત્મહત્યા કરી હતી, જેમાં રિયા-શોવિકની ભૂમિકા, બોલિવૂડમાં પ્રોફેશનલ દુશ્મનાવટ, નેપોટિઝમ, નશીલી દવાનો દુરુપયોગ તથા એક્ટરના માનસિક સ્વાસ્થ્યનો એંગલ સામેલ છે.