વડોદરામાં કોરોનાના દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યાનો મામલો, કોર્પોરેશને આ કર્યુ
29, ઓક્ટોબર 2021

વડોદરા-

વડોદરામાં કોરોનાના કપરા કાળમાં દર્દીઓની સારવારના બદલામાં સ્ટર્લિંગ સહિતની ખાનગી હોસ્પિટલોએ બેફામ લૂંટ ચલાવી હતી. જેનો ભાંડો ફૂટતાં હવે વધારાની રકમ પરત આપવી પડી રહી છે. વડોદરા કોર્પોરેશન પાસે ખાનગી હોસ્પિટલોએ વધુ રૂપિયા વસૂલ્યાની 431 ફરિયાદો આવી હતી. આ ફરિયાદોમાં હોસ્પિટલોએ પાલિકાના દબાણથી 265 પરિવારજનોને 75 લાખ 10 હજાર 666 રૂપિયા પરત આપ્યા છે. આગામી સમયમાં બીજા 9 લાખની રકમ અપાય તેવી શક્યતા હોવાથી આંકડો વધીને 84.86 લાખ સુધી પહોંચી શકે છે.

કોરોનામાં વધુ બિલ લીધાની ફરિયાદોમાંથી 23 ફરિયાદો તો સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ છે. આ ઉપરાંત આ હોસ્પિટલના સત્તાધીશો સામે દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હોય તેવી વધુ 21 ફરિયાદો તો પેન્ડિંગ છે. પાલિકાએ આ હોસ્પિટલ પાસેથી જ રૂપિયા 4 લાખ 39 હજાર 272 રૂપિયાની માતબર રકમ દર્દીઓના સગાઓને અપાવી હતી. દર્દીને વધુ વસૂલેલા રૂપિયા પરત અપાવ્યા હોય તેવી હોસ્પિટલોમાં સ્ટર્લિંગ, બેંકર્સ હાર્ટ, ગુજરાત કિડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સવિતા હોસ્પિટલ, સ્પંદન, પ્રાણાયામ અને સ્વાસ્થ્ય હોસ્પિટલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કોર્પોરેશનની કાર્યવાહીમાં 265 ફરિયાદોમાંથી 59 ફરિયાદો પેન્ડિંગ છે.

 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution