નંદેસરી જીઆઈડીસીમાં મોડી સાંજે પોલીસના સ્વાંગમાં વાહનચાલકો પાસેથી તોડ પાડતા યુવતી સહિત ચાર નકલી પોલીસને નંદેસરી પોલીસે ઝડપી પાડ્યા હતા.

નંદેસરી જીઆઈડીસીમાં સીઈટીપી પ્લાન્ટ પાસે રોડ પર નકલી પોલીસના સ્વાંગમાં ટોળકી તોડપાની કરતી હોવાની વિગતો મળતા નંદેસરી પોલીસ મથકના પીઆઈ એસ એ કરમુર સહિતના સ્ટાફે તુરંત ઉક્ત સ્થળે તપાસ કરી હતી. તપાસ દરમિયાન વ્રજકુમાર નામનો યુવક પોલીસની ખાખી વર્દીમાં તેમજ એક યુવતી સહિત અન્ય ત્રણ સાગરીતો વાહનચાલકોને ઉભા રાખી પોલીસની જેમ ચોપડામાં તેમના નામ સરનામા નોંધતા રંગે હાથ ઝડપાયા હતા.

પોલીસનો સ્વાંગ રચી વાહનચેકીંગ કરતા વ્રજ કેતન વાઘેલા (અજયનગર,નંદેસરી), ચંદ્રીકાબેન વિક્રમ રાજપુત (શિવાજીનગર.નંદેસરી), નરેન્દ્ર લક્ષ્મણ ગોહિલ (રામગઢગામ.વડોદરા) અને વિક્રમ મોહન રાજપુત (શિવાજીનગર,નંદેસરી)ની પોલીસે ધરપકડ કરી તેઓની પાસેથી ખાખી વર્દી, લાકડી,ફાઈબરની પાઈપ તેમજ લાલ-ભુરા સ્ટીકર લગાવેલી બાઈક અને એક્ટિવા, પોલીસના લોગોવાળો માસ્ક, ચાર મોબાઈલ ફોન તેમજ પોલીસ અધિકારીના નામના નકલી સર્ટીફિકેટ સહિત ૮૧ હજારથી વધુની મત્તા કબજે કરી હતી.