જીવનના આંગણામાં મહેંકે સંબંધોનું ઉપવન,ખુશીઓથી છલકાઈ ઊઠશે બની સ્નેહનું વૃંદાવન

લેખકઃ ભૂમિ જાેષી | 

“વીણા... ઓ વીણા... ક્યાં છો? અને આજનું પેપર ક્યાં છે? કેટલીવાર કીધું મને ઊઠીને તરત છાપું મારા હાથમાં જાેઈએ.” રોહન ઉઠતાંની સાથે જાેરજાેરથી બૂમો પાડતો હતો.

રોહનનો અવાજ સાંભળી વીણા રસોડામાંથી દોડતી આવી. તે સમજી ગઈ હતી જલદી રોહનને પેપર નહી મળે તો એ ઘર ગજવી મૂકશે. તે ઉતાવળે આવતા બોલી,“ સવાર સવારમાં પેપર સામે જાેવાનો મને તો સમય જ ન હોય. જરા જુઓ તો બાપુજીના રૂમમાં હશે.”

રોહન લાલપીળો થતો બાપુજીના રૂમ તરફ ગયો. ત્યાં જાેયું તો નાનો ચિન્ટુ પોતાના દાદાના ચશ્મા અને પેપર હાથમાં લઈ દોડાદોડ કરતો હતો. પોતાના દાદા જાેડે તે મસ્તી કરતો હતો, પણ અચાનક રોહનને રૂમમાં આવતો જાેઈ, તે એટલો ડરી ગયો કે દાદાના ચશ્મા પોતાના હાથમાંથી પડી અને એક કડાકા સાથે તૂટી ગયાં.

આ જાેઈ રોહનનો ગુસ્સો વધી ગયો તે બરાડા પડતા બોલ્યો, “સવાર સવારમાં આ શું ધમાચકડી મચાવી છે અને લાવ આ પેપર. પપ્પા તમે પણ શું આ ઉંમરે મસ્તીએ ચડ્યા છો. સવાર સવારમાં તમને પેપર વાંચવાની આટલી શું ઉતાવળ છે? ઓછામાં પૂરું આ નુકસાન ! ચિન્ટુ જા અને હોમવર્ક કરવા બેસ.

ગુસ્સામાંને ગુસ્સામાં રોહન એકસાથે ઘણું બધું બોલી ગયો. રોહનના શબ્દો બાપુજીને તીરની જેમ ચુભી ગયા. તે કશું ન બોલ્યા પણ તેની આંખના ખૂણે બાઝેલી ભીનાશ ઘણું બધું કહી ગઈ.

નાનકડો ચિન્ટુ આ બધું સાંભળી પોતાના દાદા પાસે ગયો અને બોલ્યો, “દાદા તમારી તો કોઈ ભૂલ ન હતી. તમે તો પેપર લઈ પપ્પાના રૂમમાં મૂકવા જતાં હતાં, પણ એક ફોટો જાેઈ તમે પેપર હાથમાં લઈ બેસી ગયાં. એટલામાં હું દોડતો આવીને તમારા ચશ્મા અને પેપર લઈ ગયો. તો ભૂલ તો મારી છે. મારાથી તમારા ચશ્મા પણ તૂટી ગયાં. હવે તમે કેમ વાંચશો? હું હમણાં પપ્પાને જઈને કહું છું અને હા મારા ગલ્લામાંથી પૈસા લઈ તમારા ચશ્મા રિપેર કરાવી દે એવું પણ કહીશ.” આટલું બોલતાં બોલતાં ચિન્ટુ દાદાને ભેટી રડી પડ્યો.

બાપુજીએ તેને તેડીને પાસે બેસાડ્યો અને કહ્યું, “બેટા,તારા પપ્પા મારું ખૂબ ધ્યાન રાખે છે. આજે કદાચ કોઈ ચિંતામાં હશે એટલે થોડો ગુસ્સે થઈ ગયો. તું આ બધું ના વિચાર. ચાલ મને કહે શું રમીશું ?”

“ના દાદા, પહેલા હું હોમવર્ક કરી લઉં. નહી તો પપ્પા એ વાત માટે પણ હમણાંની જેમ ફરી ગુસ્સે થશે. સાચું કહું તો પપ્પા વગર કારણે આમ તમારા પર ગુસ્સે થાય છે તે મને બિલકુલ નથી ગમતું. તમે પપ્પાને કશું કહેતા કેમ નથી?” ઘણા સમયથી બધું અવલોકન કરતો ચિન્ટુ દાદાને પૂછવા લાગ્યો.

“બેટા, એ તો ક્યારેક તારા પપ્પાને કામનું ટેન્શન હોય તો ગુસ્સે થઈ જાય. એમ પણ બેટા મારે શું કામ હોય હું તો ગમે ત્યારે પેપર વાંચી શકું. રહી વાત તારા ભણવાની તો એ પણ જરૂરી છે.”

દરવાજામાં ઉભેલ વીણા ક્યારની દાદા અને ચિન્ટુનો સંવાદ સાંભળી રહી હતી. તેની આંખો ભીની થઈ ગઈ. તે મનોમન કઈંક વિચારી પોતાનું પર્સ અને ફોન લઈ ઘરની બહાર નીકળી.

થોડા સમય બાદ એક કોફી શોપમાં વીણા કોઈની રાહ જાેતી બેઠી હતી. વિચારોની ગતિ એટલી તીવ્ર હતી કે સમયની રફતાર તેની સામે તેને ખૂબ ધીમી લાગી રહી હતી. પાંચ મિનિટમાં તે લગભગ દસેક વાર કોફી શોપના દરવાજા પર પોતાની નજરો તાકી ચૂકી હતી.

ત્યાં જ કોઈ લગભગ દોડતું જ તેની ટેબલ નજીક આવી બોલ્યું, “ શું થયું વીણા? આમ અચાનક અહીં મળવા બોલાવ્યો?” રોહનના હાંફતા શરીર અને ધ્રુજતા શબ્દો તેના ભાગમભાગ આવવાની ગવાહી દેતા હતા.

વીણા કશું બોલે તે પહેલાં તો મનનો બોજ આંખોની કિનારે તગતગવા લાગ્યો. રોહન હવે ઘણું ખરું સમજી ગયો હતો છતાં ચૂપ રહ્યો. “રોહન, પ્લીઝ મને માફ કરી દો. હું જ તમને કહેતી રહી કે બાપુજીની કોઈ વાત નહી સાંભળવાની. એટલે જ તમે બાપુજી સાથે હંમેશા ગુસ્સો કરો છો. આજે જ્યારે ચિન્ટુની વાત સાંભળી ત્યારે ખરેખર સમજાયું કે હું કેટલો અમાનવીય વ્યવહાર કરી રહી છું. હું જે કરી રહી છું એ જ ભવિષ્યમાં મારી સાથે પણ થઈ શકે. તમે જલ્દીથી બાપુજી માટે નવા ચશ્મા લઈ લો. આજથી તમે તેની બધી ચિંતા છોડી દો.”

“વીણા બધું ભૂલી જા. આજથી આપણી નવી જીંદગીની શરૂઆત થશે. રહી વાત ચશ્માની તો એ તો હું લઈ પણ આવ્યો.” વીણાના શબ્દોએ રોહનના મનનો ભાર પણ ઠાલવી દીધો.સાંજે રોજ કરતા રોહન વહેલો ઘરે આવી ગયો. તે ખૂબ ખુશ થતા બાપુજીના રૂમમાં ગયો. અત્યારે પણ ચિન્ટુ અને બાપુજી કેરમ રમતાં હતાં, પણ ચશ્મા વગર તેને જાેવાની તકલીફ થતી હતી. આ જાેઈ રોહન બોલ્યો, “બાપુજી ! આ લ્યો તમારા નવા ચશ્મા. પહેરીને કહો બરોબર છે ને? અને આવતીકાલથી પેપર વાંચવા માટે તમારે મારી ઉઠવાની રાહ જાેવાની જરૂર નથી. તમે તમારા સમયે વાંચી શકો છો.”

“હા બાપુજી મને પણ માફ કરી દો. હવે કદી એવું નહીં થાય. સવારે ચિન્ટુની તમારી સાથે વાત સાંભળી મને ખૂબ પસ્તાવો થયો. નાનકડા બાળ માનસ પર અમારા બરાડાની શું અસર થતી હશે તે મને પહેલી વાર સમજાયું.” વીણાએ પણ માફી માંગી. “હા બાપુજી,આજે તમારા તૂટેલા ચશ્માએ સબંધોના ચશ્માની સમજ આપી દીધી.. અને હા.. હું પણ કેરમ રમીશ. હમણાં હાથ પગ ધોઈને આવું છું.” નાનકડો ચિન્ટુ દોડતો આવી પોતાના પપ્પાના ગળે વળગી ગયો. રોહન પણ તેને વ્હાલ કરવા લાગ્યો. ત્યાં ઊભેલી વીણાના આંખમાંથી પણ હરખનું એક આંસુ નીચે ખરી પડ્યું. તેણે બાપુજી સામે જાેયું. તે પણ નવા ચશ્માથી પોતાના દીકરા અને વહુનો નવો અવતાર જાેઈ રહ્યાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution