દિલ્હી-

ગોટાળા, બેંક કૌભાંડ અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર પર માછલાં ધોનારી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન માંડી વાળવી પડી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. 

એક આરટીઆઇ અરજી દ્વારા આ ચોંકાવનારી વિગત બહાર આવી હતી. એનો સાર એટલો હતો કે 2004થી 2014 વચ્ચેના સમયગાળામાં મનમોહન સિંઘની સરકારના શાસનમાં જેટલી લોન રાઇટ ઑફ કરવી પડી હતી એેના કરતાં ત્રણ ગણી લોન નરેન્દ્ર મોદીના પહેલાં પાંચ વર્ષમાં રાઇટ ઑફ કરવી પડી હતી.

મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે બેંકોએ 2,20,328 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી. આવું મનમોહન સિંઘની સરકારના દસ વર્ષ દરમિયાન થયું હતું. બીજી બાજુ એનડીએના ફક્ત પાંચ વર્ષમાં એટલે કે 2014 થી 2019 વચ્ચે 7,94354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી.પૂણે (મહારાષ્ટ્ર)ના એક વેપારી પ્રફુલ્લ સારડાએ એક આરટીઆઇ દ્વારા આ માહિતી મેળવી હતી. મોદી સરકારના શાસનમાં સરકારી બેંકો ઉપરાંત પ્રાઇવેટ બેંકો અને વિદેશી બેંકોની લોન રાઇટ ઑફ કરવાની પણ પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમને પોતાની લોન રાઇટ ઑફ કરવી પડી એવી જાહેર ક્ષેત્રની બે ડઝન, પ્રાઇવેટ સેક્ટરની ત્રણ ડઝન, નવ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક અને ચાર વિદેશી બેંકોનો સમાવેશ થયો હતો.

કોંગ્રેસના દસ વર્ષના શાસન દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોની 1,58, 994 કરોડ, ખાનગી બેંકોની 41,391 કરોડની લોન રાઇટ ઑફ કરવી પડી હતી. એની સામે મોદી સરકારના પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની 6,24,370 કરોડની, ખાનગી બેંકોની 1,51, 989 કરોડની અને વિદેશી બેંકોની 17,995 કરોડની લોન રાઇટ ઑફ કરવાની ફરજ પડી હતી. આમ યુપીએ સરકાર કરતાં એનડીએ સરકારમાં વધુ લોન રાઇટ ઑફ કરવી પડી હતી.