લોકસત્તા વિશેષ : શહેરમાં ડામરના રસ્તાની કામગીરીમાં ચાલતી રીંગમાં કાયમ આંખો ફેરવતી ચૂંટાયેલી પાંખે હવે કોર્પોરેશનમાં આરસીસી રોડના કોન્ટ્રાકટરોને પણ લાભ ખટાવવાનો ખેલ શરૂ કર્યો છે. શહેરના ચાર ઝોનમાં આશરે રૂપિયા ૨૦ કરોડના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવા માટેના ટેન્ડરમાં કોન્ટ્રાકટરોએ અંદરો અંદર રીંગ કરી કામો વહેચી લીધા હતા. જેની દરખાસ્ત ૬ મહિના પહેલા સ્થાયી સમિતિમાં આવી હતી પરંતુ ચોક્કસ કારણોને લઈ આ દરખાસ્ત સ્થાયી સમિતિના એજન્ડા પરથી ગાયબ કરી દેવામાં આવી હતી. પરંતુ ૬ મહિના બાદ અચાનક કોન્ટ્રાકટરોએ તૈયાર કરેલી રીંગ સ્થાયી સમિતિમાં ફીટ કરવા માટે કારસો રચાયો છે. ત્યારે કોન્ટ્રાકરોએ રીંગ કરી હોવાની જાણકારી હોવા છતાં આ કામોને રીઈનવાઈટ કરવાના બદલે તેને મંજુર કરવાનો તખ્તો ગોઠવાયો છે જેને લઈ કોર્પોરેશનમાં અનેક તર્કો વહેતા થયા છે. 

આ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં ખાનગી સોસાયટીમાં આરસીસી રોડ બનાવવા માટે સોસાયટી, કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ફંડમાંથી કામો કરવામાં આવતા હોય છે. જે માટે શહેરના ૪ ઝોનના જુદા જુદા ટેન્ડરો બહાર પાડી કામગીરી કરાવવામાં આવતી હોય છે. શહેરના ચાર ઝોનમાં કામ કરવા માટે ૪ કોન્ટ્રાકટરોએ રીંગ બનાવી રૂપિયા ૨૦ કરોડના કામો લઈ લેવાનો કારસો રચ્યો છે. કોર્પોરેશને મંગાવેલા ટેન્ડરમાં રીંગ થયાનું તેની પ્રક્રિયા પરથી સ્પષ્ટ જણાય છે. આ કાર્યવાહીમાં કોન્ટ્રાટકરોએ ભરેલા ભાવ ઉપરાંત જુદા જુદા ઝોનમાં જે રીતે ચાર જ કંપનીઓના ભાવપત્રો આવતા આ શંકા વધુ પ્રબળ બની હતી. જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત ચૂંટાયેલી પાંખના કેટલાક વચેટીયા કોર્પોરેટરોની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું કહેવાય છે.  

હલકી ગુણવતાના રોડ બનાવી વધુ છેતરપીંડી

વડોદરામાં રોડના કામોમાં ખરાબ ગુણવતાના રસ્તા બનાવવાના ખેલનો ભૂતકાળમાં પર્દાફાશ થઈ ચુક્યો છે. આ ખેલમાં આજે પણ કોન્ટ્રાકટરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે વધુ એક વખત ગોઠવણ હોય તેવા કોન્ટ્રાકટરો સાથે સાંઠગાંઠ કરી હલકી ગુણવતાના રસ્તા બનાવવાની દિશામાં ખેલ આગળ વધી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ ટેન્ડરના સ્પેશીફીકેશન અને તેના પર થનાર ખર્ચ પરથી પણ લોકસત્તા જનસત્તા પડદો ઉચકશે.

૪ કોન્ટ્રાકટરો માટે શરતો બદલી દેવામાં આવી

આરસીસી રોડ બનાવવાની કામગીરી કોઈ સ્પેશ્યલાઈઝ જાેબ નથી તેમ છતાં માત્ર ૪ કોન્ટ્રાકટરોને લાભ ખટાવવા માટે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં અગાઉના ઈજારામાં મુકવામાં આવેલી શરત નંબર ૫માં કોન્ટ્રાકટરે છેલ્લા પાંચ વર્ષમાં પુરા કરેલા કામોની યાદી માંગવામાં આવતી હતી. પરંતુ આ વખતે આ શરતમાં નજીવો ફેરફાર કરી છેલ્લા પાંચ વર્ષમાં કોન્ટ્રાકટરે ટ્રીમીક્ષ પધ્ધતિથી પુરા કરેલા કામોની યાદી શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. આમ, ૪ કોન્ટ્રાકટરોને લાભ ખટાવવા માટે આખો કારસો રચાયો હોવાનું કહેવાય છે.

નાગરીકોની ૧૦ %ની ભાગીદારીમાં પણ ભાગબટાઈ!

કોર્પોરેશનના ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખનો ભાગબટાઈનો ખેલ નાગરીકોના વેરાના રૂપિયાથી પતતો નથી. આ ભાગબટાઈના ખેલમાં આરસીસી રોડમાં નાગરીકોના ૧૦ ટકાના ભાગીદારીના રૂપિયામાં પણ નજર બગાડવામાં આવી છે. કોર્પોરેશનમાં ચાલતા આ ભ્રષ્ટાચાર અને ભાગબટાઈના ખેલને જાે રોકવામાં આવે તો પ્રજાના ૧૦ ટકાના રૂપિયાની કરવામાં આવતી ઉઘરાણી વગર પણ આરસીસીના રસ્તા બનાવી શકાય તેમ હોય છે.

કોન્ટ્રાકટરોએ કામ વહેંચ્યાનો આ રહ્યો પુરાવો

આરસીસી રોડના ટેન્ડરમાં ઉત્તર ઝોનમાં અગ્રવાલ કન્સ્ટ્રકશને ૯ ટકા ડાઉન ટેન્ડર ભર્યું છે. તો પૂર્વ ઝોનમાં ૭ ટકા ડાઉન ભર્યું છે. ઉત્તર ઝોનમાં એકમે કન્ટ્રસ્કશને ૮.૪૦ ટકા ડાઉન તો જય કોર્પોરેશને ૬.૨૯ ટકા ડાઉન ભર્યું છે. પરંતુ પૂર્વ ઝોનમાં જય કોર્પોરેશને ૧૦.૨૯ ટકા ડાઉન ભર્યું છે. આમ, ઉત્તર ઝોનમાં અગ્રવાલ કન્સ્ટ્રકેશન અને પૂર્વ ઝોનમાં જય કોર્પોરેશનની ગોઠવણ સ્પષ્ટ જણાય છે. આવી સ્થિતિ દક્ષિણ ઝોનમાં એકમે માટે કરાઈ છે. ઉત્તર અને પૂર્વમાં સહકાર આપનાર એકમે કન્ટ્રક્શન દ્વારા દક્ષિણ ઝોનમાં ૯.૨૩ ટકા ડાઉન ટેન્ડર ભર્યું છે. જેના સપોર્ટમાં અગ્રવાલ અને જય કન્સ્ટ્રકશન દ્વારા ઉંચા ભાવે ટન્ડર ભરાયું છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં આમ તો ક્રિષા કન્ટ્રકશનનું કામ આવે પરંતુ રીંગની શંકા ન જાય તે માટે આ કામ જય કોર્પોરેશનના નામે કરાયું છે. પરંતુ લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત વિગતો અનુસાર જય કોર્પોરેશન અને ક્રિષા કન્સ્ટ્રકશનના માલિકો બે સગા ભાઈ છે. જેથી આ ખેલ આંખમાં ધુળ નાંખવા ઉભો કરાયો છે.