વડોદરા, તા. ૧૨

મકરપુરા રોડ પર આવેલા ડી-માર્ટમાં ટ્રાયલ રૂમમાં ગત રાત્રે કપડા બદલતી યુવતીનું મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરતો યુવક યુવતીની સતર્કતાના કારણે રંગે હાથ ઝડપાતા તેને માંજલપુર પોલીસના હવાલે કરાયો હતો.

માંજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતી ગત મોડી સાંજે મકરપુરા રોડ પર આવેલા ડી-માર્ટમાં તેની બહેનપણી સાથે કપડા ખરીદવા માટે ગઈ હતી. યુવતીએ એક ટીશર્ટ પસંદ કરતા તે ડી-માર્ટમાં લાઈનમાં આવેલા કોમન ટ્રાયલ રૂમ પૈકીના એક ટ્રાયલ રૂમમાં ગઈ હતી અને પસંદ કરેલી ટી શર્ટ પહેરીને જાેઈ હતી. જાેકે ટી શર્ટ કાઢતી વખતે તેને ઉપર જાેતા ચોંકાવનારી જાણ થઈ હતી કે તેની બાજુના ટ્રાયલ રૂમમાંથી કોઈ વ્યકિતએ ટ્રાયલરૂમના પાર્ટીશનની ઉપર ખુલ્લી જગ્યામાંથી મોબાઈલમાં તેનું રેકોર્ડીંગ કરી રહ્યું છે. આ દ્રશ્યના પગલે યુવતી તુરંત ટીશર્ટ પહેરી નાખી બહાર આવીને બુમરાણ મચાવી હતી.

બનાવના પગલે સ્ટાફ અને અન્ય લોકો ભેગા થતાં તેઓએ યુવતીના ટ્રાયલ રૂમના બાજુની ટ્રાયલ રૂમમાંથી નીકળેલા મારેઠા ગામના ૧૯ વર્ષીય રણજીત જગદીશભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. રણજીતે શરૂઆતમાં મોબાઈલમાં રેકોર્ડીંગ કર્યાનો ઈનકાર કરતા આખરે આ બનાવની માંજલપુર પોલીસને જાણ કરાઈ હતી. આ જાણકારીના પગલે શીટીમ મોલમાં દોડી આવી હતી અને રણજીતને પોલીસ મથકે લઈ ગઈ હતી. આ બનાવની યુવતીની ફરિયાદના પગલે પોલીસે રણજીત પરમાર સામે છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તેમજ તેનો મોબાઈલ ફોનને એફએસએલમાં મોકલી આપ્યો હતો.