વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન ગુજરાત સહિત વડોદરા શહેરમાં આવેલા વાતાવરણ પલટામાં આજે પણ દિવસ દરમિયાન વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેતાં બપોરના બે-અઢી વાગ્યાની આસપાસ શહેરમાં તેજ ગતિ પવન સાથે પડેલા વરસાદના ઝાપટામાં કેટલાક સ્થળોએ નાના મોટા વૃક્ષો ધરાશાયી થતાં નાના મોટા વાહનો દબાયાં હતાં તેમજ ઈલેકટ્રીક વીજતાર પણ તૂટી પડયા હતા. વીજતાર તૂટી પડવાને કારણે વીજ સપ્લાય ખોરવાયો હતો, જેને કારણે લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો.

શહેરના કારેલબાગ વિસ્તારમાં આવેલ બુદ્ધદેવ કોલોની સામે મ્યુનિ. કોર્પોરેશન વીએમસીના ક્વાર્ટર્સ ખાતે આંબાનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ બનાવમાં આંબાના ઝાડ નીચે ઝુંપડું બાંધીને રહેતા ભાઈલાલ માળીનો બચાવ થયો હતો. જ્યારે ઘર નજીક પાર્ક કરેલ ફોર વ્હીલર ટેમ્પો અને ટુ વ્હીલર વાહનો દબાઈ ગયાં હતાં. આ સાથે સલાટવાડા ગવર્નમેન્ટ કોલોની, ઊંડેરા સન રેસિડેન્સી, ગાયત્રી પેટ્રોલ પંપ પાછળ, અલકાપુરી સોસાયટી, સી.એચ.જ્વેલર્સની ગલીમાં, આર.સી. દત્ત રોડ, એક્સપ્રેસ હોટેલ મેઈન રોડ અને ગોરવા રોડ અરુણાચલ, શ્રીનાથજી સોસાયટી પાસે આવેલ ઝાડ સહિત સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની ટીમે કામગીરી હાથ ધરી હતી.