રાજકોટ-

કોરોનાની બીજી લહેર દેશમાંથી સંપૂર્ણ રીતે હજુ સુધી ગઈ નથી. એવામાં આગામી દિવસોમાં આરોગ્ય સંસ્થાઓ દ્વારા કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યારે આ ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ નાના બાળકો કોરોનાથી સંક્રમિત થશે તેવી સંભાવનાઓ નામાંકિત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. મૂળ મધ્યપ્રદેશના અને પડધરી ખાતે મજૂરી કામ કરતા પરિવારની 4 માસની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. જ્યારે ચાર મહિનાની બાળકીને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કોરોનાની બીજી લહેર સમાપ્ત થઇ ચુકી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે તે વચ્ચે રાજકોટમાં 4 માસની બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. આ બાળકી અત્યારે રાજકોટ સિવીલમાં સારવાર હેઠળ છે.