ટેક્સટાઇલ સેક્ટરમાં ભારતને ઝીરો ટેરિફનો લાભ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, ફેબ્રુઆરી 2026  |   3366


નવી દિલ્હી, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર તરફથી ભારતને એક પછી એક રાહતો મળી રહી છે. પહેલા ભારત-અમેરિકા ડીલની ફેક્ટશીટમાં મોટા બદલાવ કરવામાં આવ્યા, જેમાં કેટલીક શરતોમાં છૂટ આપવામાં આવી અને હવે એક દિવસ પછી વધુ છૂટછાટો મળવાની અપેક્ષા જાેવા મળી રહી છે. આ સંબંધમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારતના કાપડ સેક્ટરને વધુ લાભો મળશે, જે અમેરિકા દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવ્યા છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાતચીતમાં મુખ્ય ભૂમિકા ભજવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંકેત આપ્યો કે, બાંગ્લાદેશની જેમ ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા બાદ શૂન્ય ટેરિફની સુવિધા મળવાની અપેક્ષા છે. તેમના આ નિવેદનથી ભારતીય કાપડ નિકાસકારોને મોટી રાહત મળશે, કારણ કે અમેરિકા-બાંગ્લાદેશ ટ્રેડ ડીલે આ બિઝનેસ સામે મોટા પડકારો ઉભા કર્યા છે.

પિયુષ ગોયલનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલને લઈ રાજકીય વર્તુળોમાં પણ શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. નોંધનીય છે કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે થયેલ આ કરાર ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ સંપૂર્ણ શરણાગતિ છે. હવે પિયુષ ગોયલે તેમના નિવેદનની ટીકા કરતા કહ્યું છે કે, તેમણે સંસદમાં વધુ એક જુઠ્ઠાણું ફેલાવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતની તુલનામાં બાંગ્લાદેશને ટ્રેડ ડીલથી વધુ ફાયદો થયો છે. આ સંબંધમાં વિગતવાર માહિતી આપતા પિયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, આ ભાગ ગયા અઠવાડિયે બંને દેશો દ્વારા જાહેર કરાયેલા વચગાળાના વેપાર કરારના ફ્રેમવર્કમાં કદાચ સામેલ ન હોઈ શકે, પરંતુ તે અંતિમ કરારમાં ચોક્કસપણે સામેલ હશે. નોંધનીય છે કે, અમેરિકા ભારતના કાપડની નિકાસ માટે સૌથી મોટું બજાર છે. દેશમાંથી નિકાસ થતા કુલ કાપડ અને વસ્ત્રોના શિપમેન્ટનો ૩૦% ભાગ અમેરિકા પહોંચે છે. ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચેની ડીલ બાદ કાપડ નિકાસકારોમાં ખુશી લહેર જાેવા મળી, કારણ કે ટ્રમ્પે ટેરિફ ૫૦% થી ઘટાડીને ૧૮% કરી દીધો હતો. જાે કે, આ દરમિયાન સમાચાર આવ્યા હતા કે અમેરિકન કપાસમાંથી બનેલા બાંગ્લાદેશી વસ્ત્રો પર ઝીરો ડ્યુટી લાગશે. આનાથી એવી ચિંતા વધી હતી કે, જાે બાંગ્લાદેશી કપડાં પર કોઈ ટેક્સ નહીં લાગે, તો ભારતીય કપડાં પર ૧૮% ટેક્સ હોવાને કારણે આપણે સ્પર્ધામાં ટકી શકીશું નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution