લદ્દાખ-

ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરના કેટલાંક અંતરીયાળ વિસ્તારોમાંથી બંને દેશોએ સૈનિકોનો જાપ્તો ઘટાડ્યો છે, છતાં હજી સીમા પર અનેક ઠેકાણે ચોકીઓ પર બંને દેશના સૈનિકોએ સામસામે જાપ્તો યથાવત રાખ્યો છે અને તેને લીધે તંગદિલી ઘટી નથી.

બંને દેશોમાં સરહદી વિસ્તારમાં આજકાલ થઈ રહેલી ભારે બરફવર્ષા અને કાતિલ ઠંડીને પગલે બંને દેશોએ કેટલાંક અંતરીયાળ વિસ્તારોમાંથી જવાનો ઓછા કર્યા હોવાનું જાણવા મળે છે. સરહદ નજીકના 150-200 કિમીના વિસ્તારમાં ચીનના સૈનિકોના ટ્રેનિંગ કેમ્પ છે અને આ કેમ્પમાંથી તેણે હાલના સમયમાં 10,000 જેટલા તાલીમી સૈનિકોને ઘટાડ્યા હોવાનું અને સામે એટલી જ સંખ્યામાં ભારતે પણ તાલીમી સૈનિકોને ઘટાડ્યા હોવાનું સેનાના અંતરંગ સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

આમ હોવા છતાં, પેંગોંગ ત્સો, ચુશુલ, ગોગ્રા ઝરણ અને દેપસાંગ મેદાનો ખાતે બંને પક્ષે જે જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે, તેમાં કોઈ ફેરફાર ન હોવાને લીધે હજી સરહદી વિસ્તારોમાં તંગદિલી ઘટી નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.