વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા કૃષિ બિલના વિરોધમાં છેલ્લા બાર દિવસથી દિલ્લી ખાતે આક્રમક દેખાવ કરી રહેલા દેશભરના ખેડૂતોએ આજે આપેલા ‘ભારત બંધ’ના એલાનને વડોદરા શહેર-જિલ્લામાં સફળતા મળી નહોંતી. દરમિયાન ભાજપા શાષિત રાજ્યોમાં ભારત બંધનું એલાન કોઈ પણ ભોગે સફળ ન બને તે માટે ગત સાંજથી જ રાજકિય સ્તરે તેમજ સરકારની પોલીસ સહિતની વિવિધ એજન્સીએ કમર કસી હતી અને તેઓના પ્રયાસો પણ સફળ થયા હતા. અલબત્ત આજના ભારત બંધના એલાનને ને કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષોએ ટેકો જાહેર કર્યો હોઈ આજે વડોદરા શહેરમાં ત્રણ સ્થળોએ હાઈવે પર કોંગી કાર્યકરોએ ચક્કાજામના પ્રયાસ કર્યા હતા પરંતું પોલીસ કાફલો પહોંચી જતા કોંગી કાર્યકરો ઘટનાસ્થળેથી પલાયન થઈ જતા તેઓની વિરુધ્ધ શહેરમાં ત્રણ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ હતી. બંધ દરમિયાન બજારો ચાલુ રહ્યા હતા પરંતું આજે ગ્રાહકોએ બહાર નીકળવાનું મુનાસીબ નહી માનતા પોલીસને પણ કાયદો વ્યવસ્થા જાળવવામાં પણ સરળતા રહી હતી.  

કેન્દ્રમાં ભાજપા સરકાર દ્વારા તાજેતરમાં નવા કૃષિ બિલને બહુમતિના જાેરે મંજુર કરવામાં આવ્યું છે. આ નવા કૃષિ બિલથી ખેડુતોમાં ભારે વિરોધ હોઈ તેઓએ આ નવા કૃષિ કાનુનને પરત ખેંચવા માટે લડત આદરી છે. જાેકે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ મચક નહી મળતા ખેડુતોએ દિલ્લી ખાતે આંદોલન શરૂ કર્યું છે. આંદોલન ચલાવી રહેલા ખેડૂત અગ્રણીઓએ સરકાર સામે વિરોધ દર્શાવવા માટે ૮મી ડિસેમ્બરે ભારત બંધને એલાન આપ્યું હતું જેને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો તેમજ દસ કેન્દ્રિય ટ્રેડ યુનિયનોએ ટેકો જાહેર કર્યો હતો.

બંધના એલાનના પગલે સરકારે અગમચેતીના પગલારૂપે ગત સાંજથી જ વિવિધ ગતિવિધિઓ શરૂ કરી હતી. આ ઉપરાંત ભાજપા શાષિત રાજ્યોમાં વિવિધ સંગઠનોએ બંધના એલાનને ટેકો નહી આપે તેવી જાહેરાતો કરી હતી પરંતું વિરોધ પક્ષો અને કેટલાક ટ્રેડ યુનિયનો દ્વારા બંધને સફળ બનાવવા માટે પ્રયાસો કરશે તેવી જાણ હોઈ રાજયના પોલીસ વડાએ ગત સાંજે જ બંધના દિવસે ૧૪૪ની કલમ લાગુ કરી દીધી હતી. બંધના એલાનને નીષ્ફળ બનાવવા માટે રાજય સરકારે પોલીસ ઉપરાંત વિવિધ એજન્સીઓને કોઈ પણ રીતે પરિસ્થિતિને પહોંચી વળવા માટે આદેશ કર્યા હતા જેના પગલે વડોદરા શહેર-જિલ્લા પોલીસને પણ ગઈ કાલે સાંજથી જ તેઓના પોલીસ મથક વિસ્તારોમાં આજે સવારથી જ સતર્ક રહેવા માટે સુચના અપાઈ હતી.

આજે સવારે ૮થી બપોરના ૩ વાગ્યા સુધી ભારત બંધનું એલાન હોઈ પોલીસ કાફલો બંધના એલાનનો સમય થાય તે અગાઉ જ શહેર –જિલ્લાના વિવિધ બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં વિસ્તારોમાં તૈનાત કરાયો હતો. પોલીસ કાફલો સવારે આઠ વાગ્યાથી તૈનાત કરાશે તેવી જાણ હોઈ શહેરના કેટલાક કોંગી કાર્યકરો આજે વહેલી સવારે જ શહેરના વિવિધ હાઈવે પર પહોંચી ગયા હતા અને તેઓએ કેન્દ્ર સરકારના વિરોધમાં ભારે સુત્રોચ્ચાર કરી રોડ પર ટાયરો સળગાવ્યા હતા.

કોંગી કાર્યકરો દ્વારા ચક્કાજામના પ્રયાસોની જાણ થતાં જ સંબંધિત પોલીસ મથકોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાેકે પોલીસ પહોંચે તે અગાઉ જ રોડ પર સુત્રોચ્ચાર કરી રહેલા કોંગી કાર્યકરો ઘટનાસ્થળેથી પલાયન થતા પોલીસે તેઓના નામજાેગ ફરિયાદો નોંધી હતી. આ ઉપરાંત વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવાર બાદ રાબેતા મુજબ મોટાભાગના તમામ બજારો, દુકાનો અને એપીએમસી માર્કેટો ચાલુ થયા હતા. ઉલ્લેખનીય છે કે બંધના એલાનના કારણે કદાચ કોઈ અનિચ્છનિય બનાવ તેવી શંકા હોઈ આજે મોટાભાગના લોકોને બહાર જવાનું ટાળ્યું હતું જેના કારણે રોજની સરખામણીમાં આજે બજારોમાં ગ્રાહકોની ભીડ પણ નહીવત જાેવા મળી હતી. ત્રણેક સામાન્ય બનાવોને બાદ કરતા આજે શહેર –જિલ્લામાં પરિસ્થિતિ શાંતપુર્ણ રહેતા પોલીસ સહિતના વહીવટીતંત્રે રાહતનો દમ લીધો હતો.

હાઈવે પર ટાયરો સળગાવતાં થોડાક સમય પૂરતો ટ્રાફિક જામ

કોંગી કાર્યકરોની એક ટુકડીએ આજે સવારે પોણા સાત વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે-૪૮ પર સુરતથી અમદાવાદ જતા માર્ગ પર મહાસાગર હોટલની સામે રોડ પર સુુત્રોચ્ચાર કરી તેમજ ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતા. આ ઉપરાંત અન્ય કોંગીકાર્યકરો સવારે સાડા દસ વાગે હાઈવે પર દુમાડ ચોકડીથી જીએસએફસી કંપનીના રોડ પર પેટ્રોલપંપ સામે અને પોણા અગિયારવાગે ફતેગંજ સર્કલથી નિઝામપુરા જતા રોજ પર યોગનિકેતન ચારરસ્તા પાસે જાહેરમાર્ગ પર સુત્રોચ્ચાર કરી તેમજ રોડ પર ટાયરો સળગાવીને ચક્કાજામના પ્રયાસો કર્યા હતા. પોલીસ કાફલો તૈનાત થાય તે અગાઉ જ કોંગી કાર્યકરોએ રોડ પર ટાયરો સળગાવી સુત્રોચ્ચાર કરતા સવારે થોડાક સમય પુરતો હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જાેકે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ રોડ વચ્ચેથી સળગતા ટાયરો ખસેડી લેતા વાહનવ્યવહાર પુર્વવત બન્યો હતો.

હાઈવે પર અને શહેરમાં ચક્કાજામના પ્રયાસની કોંગી કાર્યકરો સામે ફરિયાદ

આજે ભારત બંધના એલાન દરમિયાન હાઈવે પર બે સ્થળે તેમજ શહેરમાં એક સ્થળે જાહેરમાર્ગ પર સુત્રોચ્ચાર કરી તેમજ ટાયરો બાળીને પરિસ્થિતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોંગી કાર્યકરો સામે મકરપુરા, છાણી અને ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ હતી. આ પૈકી મકરપુરા પોલીસ મથકમાં હાઈવે પર ટાયરો બાળી જાહેરમાર્ગને ૧૦ હજારનું નુકશાન કરનાર અમિત ગોટીકર, મિતેશ ઠાકોર, કિરણ કાપડિયા અને નિલેશ બ્રહ્મભટ્ટ સામે, દુમાડ ચોકડી પાસે દેખાવ બદલ હિતેશ દેસાઈ, યજ્ઞેશ પટેલ, અમિત ગોટીકર અને જયદીપ પરમાર સામે અને નિઝામપુરામાં દેખાવ બદલ જીતેન્દ્ર ઉર્ફ પપ્પુ સોલંકી, યજ્ઞેશ પટેલ, સુનિલ પરમાર, અંગદ યાદવ અને નિલેષ રાજપુત વિરુધ્ધ રાયટીંગ, પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ અને કોરોના ગાઈડલાઈનના ભંગનો ગુનો નોંધ્યો હતો. જાેકે ફતેગંજ પોલીસે પપ્પુ સોલંકી સહિત છ કાર્યકરોની ધરપકડ કરી હતી અને મોડી સાંજે છોડી મુકયા હતા.

ભાજપા કાર્યકરોની ફોજ પણ શહેરમાં સતત ફરતી રહી

ભારત બંધનું એલાન શાસક પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોઈ પોલીસ તેમજ અન્ય સરકારી એજન્સીઓને ગઈ કાલે જ કોઈ પણ ભોગ બંધ સફળ ના થાય તે માટે કડક તાકિદ કરાઈ હતી. એટલું જ નહી ભારત બંધના એલાનને સફળ કરવા માટે કોંગી કાર્યકરો વહેલી સવારથી જ કાર્યરત થયાની જાણ થતા શહેર ભાજપાના હોદ્દેદારો તેમજ કાર્યકરોને બંધને નિષ્ફળ બનાવવા માટે તાકિદ કરાઈ હતી જેના પગલે આજે સવારેથી જ સવારના રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં ભાજપા કોર્પોરેટરો અને વોર્ડના હોદ્દેદારો અને કાર્યકરોની ફૈાજ પણ શહેરમાં સતત ફરતી રહી હતી.

પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલની આબરૂનું ઘરઆંગણે લીલામ છાણી સજ્જડ બંધ ખેડૂતોનો ટેકો

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભાજપ અગ્રણી સતિષ પટેલની છાણી અને ટીપી ૧૩ વિસ્તારમાં પોતાની મરજી વિરુદ્ધ એક પાંદડું પણ હાલી શકે એમ નથી. એવી ફાંકાફોજદારીના ફુગ્ગાની હવા ખેડૂત આંદોલનને લઈને અપાયેલા બંધના એલાનમાં નીકળી ગઈ હતી. પોતાને કદાવર નેતા માનતો હોવા છતાં પોતાના વિસ્તારના ખેડૂતો અને વેપારીઓને સમજાવવામાં સ્થાયી અધ્યક્ષ ધરાર નિષ્ફળ નિવડ્યા હતા. એક તરફ સમગ્ર વડોદરા શહેરના બજારો ખુલ્લા રખાવવામાં સફળ રહેલા ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહની સફળતા અને બીજી બાજુ સતિષ પટેલના કારણે પક્ષની આબરૂ છાણી સજ્જડ બંધ રહેતા જતી રહેલી જાેવા મળી હતી. આ બાબતની ખાસ નોંધ પ્રદેશ કક્ષા સુધી લઈને આગામી સમયમાં આવનાર પાલિકાની ચૂંટણીઓ વખતે આ બાબતનો હિસાબકિતાબ થઇ જશે એમ માનવામાં આવી રહ્યું છે. આ છાણી વિસ્તારના વેપારીઓ અને ખેડૂતોએ કૃષિ બિલના વિરોધમાં સજ્જડ બંધ પાળીને ભાજપના સ્થાયી સમિતિના અધ્યક્ષની ઘરઆંગણે આબરૂનું લીલામ કરતા એમના ચહેરા પર કાપો તો લોહીના નીકળે એવી સ્થિતિ સર્જાયાનું ગ્રામજનોમાં ચર્ચાતું હતું. અલબત્ત આ બાબત ભાજપને માટે સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન ગણાતા એની ગંભીર નોંધ લેવામાં આવી છે.