ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સફળતાનાં શિખરો સર કરનારી રાજ્યની ૧૮ નારીશક્તિને ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને આમંત્રીત કરીને ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં અભિવાદન કર્યું હતું. આદ્યશક્તિની આરાધનાના આ નવરાત્રિ પર્વના નવમા નોરતે મુખ્યમંત્રી નિવાસ સ્થાનનું પ્રાંગણ માતૃશક્તિ-નારીશક્તિના અભિવાદનનું આંગણ બન્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ ‘નારી તું નારાયણી’માં માને છે. નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે.મહિલાઓને વિવિધ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર મહિલા ઉત્કર્ષની યોજનાઓ દ્વારા પ્રતિબધ્ધ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. અને આવી યોજનાઓના લાભ મેળવવામાં રાજ્ય સરકાર તેમને પુર્ણ સહયોગ આપશે તેમ ઉમેર્યું હતું.

 મુખ્યમંત્રી આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ ક્ષેત્ર સાથે જાેડાયેલી ૧૮ જેટલી નારીશક્તિ સાથે સંવાદ કરી તેમની જીવન યાત્રા અને કાર્યોથી પરિચિત પણ થયા હતા. મુખ્યમંત્રીએ ‘નારાયણી નમોસ્તુતે’ અન્વયે જે ૧૮ બહેનોનું સન્માન કર્યું તેમાં ટોક્યો પેરા-ઓલમ્પિકમાં ટેબલ ટેનિસની રમતમાં સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલ, ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમાર, માત્ર ૧૯ વર્ષની નાની વયે કમર્શિયલ પાયલટ બનનાર મૈત્રી પટેલ, કચ્છી મહિલા એન્ટરપ્રેન્યોર પાબીબેન રબારી, મેંગો જંક્શન સ્વીટશોપના સ્થાપક એવા મહિલા એન્ટરપ્રેન્યોર ડૉ. ધરા કાપડિયા, સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે મહિલા સ્વસહાયજૂથના પ્રમુખ પ્રેમીલાબેન તડવી, વિચરતી-વિમુક્ત જાતિના ઉત્કર્ષ માટે સમાજિક કાર્યકર મિત્તલ પટેલ, કોરોના દરમિયાન મૃત્યુ પામનાર દર્દીઓની અંતિમવિધિ કરનાર હિનાબેન વેલાણી, કોરાનાકાળમાં ટ્રક રાઈડ દ્વારા ગામડાઓમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરનાર દુરૈયા તપિયા, દિવ્યાંગ સામાજિક કાર્યકર શોભના સપન શાહ, સામાજિક કાર્યકર રસીલાબેન પંડ્યા, આર.જે અને યુ-ટ્યુબર અદિતી રાવલ, સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે રેડિયો જાેકી ડૉ. નીલમ તડવી, સંગીત કલાકાર સ્તુતિ કારાણી, ભરત નાટ્યમના કલાકાર માનસી પી. કારાણી, લેખિકા, એન્કર પાર્મીબેન દેસાઈ, પ્રગતિશીલ ખેડૂત ભારતીબેન રામદેવ ખૂંટી તેમજ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કારથી સન્માનિત દેમાબેન ચૌધરીનો સમાવેશ થાય છે.