29, જુન 2020
ઓડિયન્સ થીએટર્સમાં પાછું આવી રહ્યું છે. ઇન્ડિયામાં હજી સુધી થીએટર્સ શરૂ થયાં નથી. જોકે, અનેક દેશોમાં થીએટર્સ શરૂ થઈ ગયાં છે અને મૂવી લવર્સ ફરી બિગ સ્ક્રીન પર ફિલ્મ્સ જોઈ રહ્યા છે. વાસ્તવમાં અનેક દેશોમાં ઇન્ડિયન મૂવીઝ ફરીથી રજૂ થઈ રહી છે. ઝી સ્ટૂડિયોઝે આયુષ્માન ખુરાનાની 'ડ્રીમ ગર્લ' તેમજ અક્ષય કુમાર અને કરીના કપૂર સ્ટારર 'ગુડ ન્યૂઝ' જેવી ફિલ્મ્સને ફરીથી રિલીઝ કરી છે.
'ગોલમાલ અગેઇન'ને ન્યૂઝીલેન્ડને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. 'સુપર 30' અને 'સિમ્બા'ને પણ ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં ફરીથી રિલીઝ કરવામાં આવશે.
ઝી સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલના વડા વિભા ચોપરાએ જણાવ્યું હતું કે, 'અત્યાર સુધીમાં અમે 'ગુડ ન્યૂઝ' અને 'ડ્રીમ ગર્લ'ને દુબઈમાં રિલીઝ કરી છે. અમે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ એને એકાદ મહિનામાં રિલીઝ કરવાનું પ્લાનિંગ કર્યું છે. અમે એનું રિઝલ્ટ્સને જોઈને વધુ ફિલ્મ્સને ફરીથી રિલીઝ કરીશું.' તેમણે વધુ કહ્યું હતું કે, 'લોકો થીએટર્સમાં આવી રહ્યા છે. અમે 10-15 ટકા ઓક્યુપન્સી જોઈ રહ્યા છીએ.
અમારી ફિલ્મ્સના કેટલાક શોઝ હાઉસફુલ થયા, પરંતુ હું જ્યારે હાઉસફુલ કહું છું ત્યારે એનો અર્થ 30 ટકા ઓક્યુપેન્સી છે.' ટાઇગર શ્રોફ સ્ટારર 'બાગી 3' આ વર્ષે છઠ્ઠી માર્ચે રિલીઝ થઈ હતી. જે યુએઈમાં જૂનના બીજા અઠવાડિયામાં થીએટર્સ ફરી શરૂ થયા ત્યારે ત્યાં રિલીઝ થનારી પહેલી ઇન્ડિયન ફિલ્મ હતી. 'બાગી 3'એ એની રિલીઝના એક અઠવાડિયામાં 15 સ્ક્રીન્સમાંથી 1.5 લાખ રૂપિયા કલેક્ટ કર્યા હતા. ઓક્યુપેન્સી અને કલેક્શનના આંકડા ભલે ઓછા લાગે, પરંતુ વ્યક્તિએ નોંધવું જોઈએ કે, સમગ્ર દુનિયામાં સોશિયલ/ફિઝિકલ ડિસ્ટન્સિંગના ધારાધોરણનું પાલન કરવામાં આવી રહ્યું છે. એટલા માટે જ થીએટર્સ માત્ર 30 ટકાની કેપેસિટીથી જ ચાલી શકે છે. વળી, એક હકીકત એ પણ છે કે, ફરીથી રિલીઝ થઈ રહેલી ફિલ્મ્સ મોટા ભાગનાં ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે.
વાસ્તવમાં આ રીતે થીએટર્સમાં ફિલ્મ્સ રિલીઝ કરીને ઇન્ડિયન ફિલ્મમેકર્સ પણ એવો મેસેજ પહોંચાડવાની કોશિશમાં જોડાઈ ગયા છે કે, સિનેમાઝ સેફ છે. ઇન્ડિયામાં હવે અક્ષય કુમારની 'સૂર્યવંશી', રણવીર સિંઘની '83', વરુણ ધવન અને સારા અલી ખાનની 'કૂલી નંબર 1' તેમજ સલમાન ખાનની 'રાધે' થીએટર્સ શરૂ થશે ત્યારે રિલીઝ થશે.