વોશિંગ્ટન

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને ભારતીય મૂળના કેલિફોર્નિયા સીનેટર કમલા હૈરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. 

જો બાઈડેને પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, આ અંગે જણાવતા મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે કે કમલા હૈરિસની મેં પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. બાઈડેને કમલાને એક બહાદુર યોદ્ધા અને અમેરિકાના સૌથી શ્રેષ્ઠ અમલદારશાહીમાંથી એક ગણાવ્યા છે.


વધુ એક ટ્વીટ કરીને કહ્યું કે, જ્યારે કમલા હૈરિસ કેલિફોર્નિયાના અટોર્ની જનરલ હતા ત્યારથી હું તેમને કામ કરતો જોઈ રહ્યો છું. મેં જોયું છે કે કેવી રીતે તેઓએ મોટી-મોટી બેંકોને પડકારી છે, કામ કરનારા લોકોની મદદ કરી અને મહિલાઓ અને બાળકોને શોષણમાંથી બચાવ્યા છે. હું ત્યારે પણ ગર્વ અનુભવતો હતો અને આજે પણ ગર્વ અનુભવું છું જ્યારે તેઓ આ અભિયાનમાં મારા સહયોગી રહેશે.