કાબુલ-

અફઘાનિસ્તાનમાં તાલિબાન યુગ પાછો આવ્યો છે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનના હજારો લોકોએ અન્ય દેશોમાં શરણ લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તે જ સમયે, ભારત, અમેરિકા સહિત અન્ય દેશોએ પણ તેમના લોકોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. આ જ ક્રમમાં, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાન પણ કાબુલ પહોંચ્યું છે. ભારતીય વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર સોમવારે કાબુલ પહોંચ્યુ. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય લોકોને અહીંથી એરલિફ્ટ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતના આશરે 500 અધિકારીઓ અને સુરક્ષા સંબંધિત કર્મચારીઓ અહીં ફસાયેલા છે. આ અગાઉ દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય દૂતાવાસ અને ત્યાં રહેતા કર્મચારીઓના વિકલ્પો અને ભવિષ્યની કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીજી બાજુ, ભારતીય ટીમો અફઘાનિસ્તાનમાં હાજર અધિકારીઓ સાથે વાત કરી રહી છે, જેથી તેઓ ભારત જવા માટે એરપોર્ટ પર આવી શકે છે.