સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ સામે લડત આપી રહ્યો છે ત્યારે કોરોના સિવાયના સમાચારો પર કોઈનું ખાસ ધ્યાન પડતું નથી પરંતુ તેવામાં કેન્સરથી પીડિત શૂટર પૂર્ણિમા જનેનનું નિધન થઈ ગયું હતું. ઓલિમ્પિકસ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રા સહિત દેશના રમતવીરોએ તેને અંજલિ અર્પણ કરી હતી. પૂર્ણિમા 42 વર્ષની હતી અને ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન (આઇએસએસએફ)ના લાયસન્સ ધારક કોચ હતી. તે છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતી હતી અને સારવાર લઈ રહી હતી. ભૂતપૂર્વ ભારતીય શૂટર જયદીપ કરમાકરના જણાવ્યા મુજબ તે કેન્સરમાંથી લગભગ બહાર આવી રહી હતી.

પૂર્ણિમાએ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી ટુર્નામેન્ટમાં ભારત તરફથી ભાગ લીધો હતો. દસ મીટર એર રાઇફલ શૂટિંગમાં તે ભારતીય રેકોર્ડ ધરાવતી હતી. શૂટર તરીકેના કરિયર બાદ તે કોચિંગમાં સંકળાયેલી હતી. મહારાષ્ટ્ર સરકારે તેને શિવ છત્રપતિ ખેલ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો.બે વર્ષ અગાઉ કેરળમાં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ દરમિયાન તે કેન્સરગ્રસ્ત થઈ ગઈ હતી. તેણે સમગ્ર કારકિર્દી મુંબઈમાં વીતાવી હતી પરંતુ ત્યાર બાદ તે પૂણેમાં સેટ થઈ હતી. તેનો જન્મ નાંદેડમાં થયો હતો.