નવી દિલ્હી 

ભારતીય મહિલા બોક્સર સિમરનજિત કૌર(૬૦ કિલો) અને મનીષા મૂન(૫૭ કિલો)એ જર્મનીમાં રમાઇ રહેલાં કોલોન વર્લ્ડ કપમાં ગોલ્ડલ મેડલ પ્રાપ્ત કર્યા છે. મનીષાએ તેની પ્રતિસ્પર્ધી સાક્ષી ચૌધરીને ૩-૨તી પરાજિત કરી હતી જ્યારે સિમરનજિતે જર્મન ખેલાડી માયા ક્લેઇનહાસને ૪-૧થી પરાજિત કરી હતી. આ સ્પર્ધાની સમાપ્તિમાં ભારતે ત્રણ ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ પ્રાપ્ત કરીને સમગ્રતયા બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ અગાઉ એશિયન ગેમ ચેમ્પિયન અમિત પનઘલે (૫૨ કિલો) મેન બોક્સિંગમાં એકમાત્ર ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો. તેને ફાઇનલમાં વોકઓવર મળ્યો હતો અને ગોલ્ડ જીતી ગયો હતો. જાણીતા બોક્સ સતીશકુમારને ફાઇનલમાં ઈજાના કારણે ખસી જવાની ફરજ પડતાં તેને સિલ્વર મેડલતી સંતોષ માનવો પડયો હતો. સોનિયા લાથેર (૫૭ કિલો), ગૌરવ સોલંકી(૫૭ કિલો) અને મોહમ્મદ હસમુદ્દીન (૫૭ કિલો)એ તેમના સંબંધિત મુકાબલામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં મેજબાન દેશ જર્મની, બેલ્જિયમ, ક્રોએશિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, મોલ્દોવા, નેધરલેન્ડ, પોલેન્ડ અને યુક્રેનના બોક્સર્સ ભાગ લેવા માટે હાજર રહ્યા હતા.