વડોદરા, તા.૨૩

સુરતના દીક્ષાર્થી ઋષિલકુમાર શાહનું મોસાળું અકોટા ખાતે હોવાથી વાયણાંની પ્રક્રીયા કરવા માટે વડોદરા પધાર્યા હોવાથી અકોટા જૈન દેરાસર સમાજ દ્વારા તેમનું વાજતે – ગાજતે બહુમાન કરીને વરધોડો અને વાયણું કરવામાં આવ્યું હતું.

વડોદરામાં એગ્રો ફર્નીચરના વ્યવસાય સાથે સંકળાયેલ અને અકોટા વિહાર સોસાયટીમાં ગૃહ જીનાલય ધરાવતા પ્રજ્ઞાબેન ગિરિશભાઈ શાહ નો દોહિત્ર પુત્ર ઋષિલ શૈલ શાહ માત્ર ચૌદ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ઋષિલ કુમાર ઘોરણ ૮ સુધી શાળાકીય અભ્યાસ પૂરો કરીને ગુરુકુળમાં ધાર્મિક અભ્યાસ કર્યો છે. ગચ્છાધિપતિ યુગ ભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ સાથે ૫૦૦ કીલોમીટર નો વિહાર કર્યો છે. માત્ર આઠ વર્ષ ની ઉંમરે ઉપધાન તપ, અઠ્ઠાઈ, ૧૨ વર્ધમાન તપ આયંબિલ ની ઓળી, પાંચ પ્રતિક્રમણ, ભક્તામર સ્તોત્ર,બે સંસ્કૃત ની પુસ્તકો સહિત અનેક ગ્રંથો ગુરુદેવ ની નિશ્રામાં કંઠસ્થ કર્યા છે. મુમુક્ષુ ઋષિલ કુમાર પ્રજ્ઞાબેન ગીરીશભાઈ શાહના ઘરે પધાર્યા છે.તેઓની સુરત ખાતે દીક્ષા નક્કી કરવામાં આવી છે. જેમાં ૭મી મે ૨૦૨૨ ના દિવસે સુરત ખાતે ઋષિલ કુમારની દિક્ષામાં પધારવા માટે તમામ જૈન સમાજના સભ્યોને આમંત્રણ આપ્યું હતું . દીક્ષાનું મુહુર્ત નિકળતા મુર્હૂત ના વધામણા અને વાયણુ કરવા તેઓ વડોદરા ખાતે પધાર્યા હતા. ચૌદ વર્ષીય ઋષિલકુમારનો વરઘોડો વાજતેગાજતે અકોટા અતિથિ ગૃહ થી નીકળી વિહાર સોસાયટી ખાતે આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ ગ્રહ જીનાલય ખાતે પૂરો થયો હતો. વરધોડામાં “દીક્ષાર્થી અમર રહો .....”ના નારા લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દીક્ષાર્થીનું જૈન અગ્રણીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.