વડોદરા, તા. ૧૫

હરણી મોટનાથ તળાવના લેકઝોનમાં ૧૮મી જાન્યુઆરીએ સર્જાયેલા હોડી દુર્ઘટનામાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓનો ભોગ લેનાર દુર્ઘટનાગ્રસ્ત બોટ બનાવ બાદ તળાવ કિનારે તમામ રાહદારીઓના ‘ધિક્કારપાત્ર’ બનીને પડી રહી છે. આ દુર્ઘટનાગ્રસ્ત બોટ વાસ્તવમાં કેટલું વજન ઝીલી શકે છે અને વધુ વજન સાથે તેને તળાવમાં ફેરવાય તો શું પરિણામ આવે તેનું વૈજ્ઞાનિક પૃથ્થકરણનો રિપોર્ટ આગામી દિવસોમાં કોર્ટ કાર્યવાહીમાં ઘણો જ મહત્વનો સાબિત થઈ શકે છે. આ હેતુથી બોટનું બોયન્સી ટેસ્ટ કરાવવાની હરણી પોલીસે એફએસએલ સમક્ષ માગણી કરી હતી. ૧૪ નિર્દોષોનો ભોગ લેનાર દુર્ઘટનાગ્રસ્ત બોટનું પોલીસ અને તંત્ર દ્વારા જરૂરી સમારકામ કરાવીને તેને આજે સવારે લેકઝોન ખાતે તળાવમાં ઉતારવામાં આવી હતી અને તેની સાથે જ તળાવકિનારે હાજર સૌકોઈના માનસપટ પર હોડી કાંડની ગોઝારી દુર્ઘટનાનો સિલસિલો તરવા માંડ્યો હતો.

દુર્ઘટનાના સમયે બોટની જે સીટો પર નિર્દોષ બાળકો કિલ્લો કરતા બેઠાં હતાં, તેની જગ્યાએ રેતી ભરેલી વજનદાર થેલીઓ મૂકવામાં આવી હતી અને ત્યારબાદ એફએસએલ-સીટના અધિકારીઓ તેમજ બંને કાંઠે હાજર વીડિઓગ્રાફરોની હાજરીમાં બોટને તળાવમાં ફરી દુર્ઘટનાવાળી જગ્યાએ પ્રસ્થાન કરાઈ હતી. દરમિયાન કાંઠા પર ઉભેલા અધિકારીઓએ બોટચાલકને ગોઝારી દુર્ઘટના વખતે જે જગ્યાએ અને જે રીતે ટર્ન લેવાયો હતો ત્યાંથી તે રીતે જ ટર્ન મારવા માટે સૂચનાઓ આપી હતી... અને આ વખતે પણ બોટમાં ફરી વારંવાર પાણી ભરાઈ જતાં અધિકારીઓ ચોંકી ઊઠ્યાં હતા.