વડોદરા : વડોદરા તેમજ રાજ્યના વિવિધ શહેરોમાં કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાને પગલે સફાળી જાગેલી રાજ્ય સરકારે બનાવેલી ફાયર સેફ્ટી ઓડિટ કમિટી વડોદરા આવી પહોંચી હતી. અને વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ફાયરના સાધનો, એન.ઓ.સી. વગેરેનું નિરિક્ષણ કર્યું હતું. 

રાજ્ય સરકારે વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટ એમ ચાર હોસ્પિટલોમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ કરવા માટે અમદાવાદ કોર્પોરેશનના ચીફ ઓફિસર એમ.એફ.દસ્તુરની અધ્યક્ષતામાં ફાયર ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ચીફ ઇલેક્ટ્રીસીટી ઇન્સ્પેક્ટર ગાંધીનગર, આરોગ્ય વિભાગના અધિકારી અને એસીબીના આસી. ડાયરેક્ટર એમ પાંચ સભ્યોનો સમાવેશ થાય છે.

આજે આ કમિટી વડોદરા આવી પહોંચી હતી અને અન્ય અધિકારીઓ, પોલીસ તેમજ વડોદરા ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે શહેરની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ શરૂ કર્યું હતું. અને હોસ્પિટલોમાં ફાયરની તેમજ આકસ્મિક સમયે બહાર નીકળવાની યોગ્ય જગ્યા છે કે કેમ ? ઉપરાંત કોવિડ હોસ્પિટલોમાં મેડિકલ ઇક્વીપમેન્ટ, ફાયર સેફ્ટીના સાધનો, આઇસીયુ, તેમજ વોર્ડ, સ્પેશ્યલ રૂમ વગેરે સ્થળે યોગ્ય રીતે વાયરીંગ કર્યું છે કે નહી, ફાયર સેફ્ટીના સાધનો યોગ્ય વર્કીંગ સ્થિતિમાં છે કે કેમ? વગેરેનું નિરીક્ષણ કર્યું હતું.

વડોદરામાં ૭૦થી વધુ કોવિડ હોસ્પિટલોને સરકાર દ્વાર મંજૂરી આપવા માં આવી છે ત્યારે પ્રથમ દિવસે ૧૦થી૧૫ જેટલી હોસ્પિટલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ફાયર સેફ્ટી ઓડિટ કમિટીના એમ.એફ. દસ્તુરે જણાવ્યું હતું કે દરેક હોસ્પિટલોની ઝીણવટપૂર્વક તપાસ બાદ શુ કામી છે અને તે માટે શું કરવું જાેઇએ તેની નોટ આપવામાં આવશે. અને સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કરાશે. અને જાે સુચન મુજબ જરૂરી ફેરફાર નહી કરાય તો સરકાર દ્વારા કોવિડની પરવાનગી રદ પણ કરાઇ શકે છે તેમ તેમણે કહ્યું હતું.

આગામી બેથી ત્રણ દિવસમાં આ કમિટી વડોદરાની ૭૦થી વધુ કોવિડ હોસ્પિટલોમાં ઓડિટ કરી પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી કમિટી વિવિધ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગેની તપાસ હેઠળ વડોદરા ખાતે કામગીરીમાં કરી રહી છે તો બીજી તરફ પાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ પાલિકાએ અગાઉ શહેરના ચારેય ઝોનમાં આવેલી ૭૦ જેટલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર એનઓસી અંગેની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જે હોસ્પિટલોને ફાયર એનઓસીના એપ્લિકેશન અંગેની તકલીફ હોય તેએને રૂબરૂ બોલાવીને એમના પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું અને ડોક્યુમેન્ટેશનનું કામ પૂર્ણ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં લઇ પાલિકએ અગાઉથી સમાંતર તપાસ પ્રક્રિયા અગાઉ કરાવામાં આવી હતી.