વડોદરા, તા. ૨૯

હરિધામ સોખડા મંદિરમાં પોતાની રૂમમાં ભેદી સંજાેગોમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેનાર ગુણાતીતચરણ સ્વામીની ગઈ કાલે અંતિમવિધિ પુરી થતા જ આ અપમૃત્યુ પ્રકરણની તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. ગુણાતીત ચરણસ્વામીને અચાનક આપઘાત કરવાની કેમ ફરજ પડી તેનું રહસ્ય અકબંધ હોઈ આજે તાલુકા પોલીસ મથકમાં ડીવાયએસપી દ્વારા સોખડા મંદિરના ત્યાગવલ્લભસ્વામી તેમજ મંદિરના ટ્રસ્ટી જયંત દવે સહિત ત્રણ અગ્રણીઓની પોલીસે ઘનિષ્ટ પુછપરછ કરી તેઓના સત્તાવાર નિવેદનો મેળવ્યા હતા.

સોખડા હરિધામના મંદિરના ગાદીપતિના મુદ્દે બે બે સંતો અને તેઓના હજારો અનુયાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગઈ કાલે સવારે હરિધામ સોખડા મંદિરમાં રહેતા ૬૯ વર્ષીય ગુણાતીત ચરણદાસ સ્વામીએ પોતાની રૂમમાં કેસરી ગાતરિયા વડે ફાંસો આપઘાત કરતા ચકચાર મચી હતી. તાલુકા પોલીસે પોસ્ટમોર્ટમ બાદ ગુણાતીત સ્વામીના વિસેરા લઈ તેમનો મૃતદેહ અંતિમવિધિ માટે પરિવારજનોને સોંપ્યો હતો.

આ આપઘાતના બનાવમાં હજુ પણ અનેક પ્રશ્નો અનુર્તીણ હોઈ આજે તાલુકા પોલીસ કચેરી ખાતે હરિધામ સોખડાના અગ્રણી ત્યાગવલ્લભ સ્વામી, સેક્રેટરી જયંત દવે તેમજ લાશને સૈાપ્રથમ જાેનાર પ્રભુપ્રિય સ્વામીને પુછપરછ માટે બોલાવાયા હતા. બપોરે આ ત્રણેય અગ્રણીઓ તાલુકા પોલીસ મથકમાં આવતા ડીવાયએસપી એસ કે વાળા તેમજ તપાસ અધિકારી પીએસઆઈ બી જી લાંબરિયાએ આ ત્રણેય અગ્રણીઓની આપઘાતના બનાવને છુપાવવાનો કેમ પ્રયાસ કરેલો તે સંદર્ભે પુછપરછ કરી હતી. જાેકે આ ત્રણેયે પોલીસને જણાવ્યું હતું કે ગુણીતીત ચરણદાસ સ્વામીના પરિવારજનોએ એવી વિનંતી કરી હતી કે ગુણાતીતસ્વામી ૪૦ વર્ષથી મંદિરમાં સેવા આપે છે હવે જાે તેમણે આપઘાત કર્યો છે તેવી જાણ થશે તો તેમની સાધુતા લજવાશે અને મંદિરની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચશે. આ ઉપરાંત હાલમાં મંદિરમાં બે જુથો વચ્ચે ભારે વિવાદ હોઈ તેમના આપઘાતને લઈને હરિફ પક્ષોને અપપ્રચાર કરવાની તક મળશે માટે તેઓએ આપઘાતની વાત જાહેર નહી કરવા વિનંતી કરી હતી અને સંબંધીએ જ પોલીસને કુદરતી મોત થયાની ખોટી જાણ કરી હતી.

ગુણાતીત સ્વામીના સંબંધીને આપઘાતની જાણ હતી છતાં ખોટી માહિતી આપી

ગુણાતીત ચરણદાસ સ્વામીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે તેવી તેમની સાથે રૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામીને સૈાપ્રથમ સવારે સાત વાગે જાણ થતા જ તેમણે અન્ય સંતો અને સેવકો તેમજ જુનાગઢના વંથલી તાલુકા સ્થિત પટેલ ફળિયામાં રહેતા ગુણીતીત ચરણદાસ સ્વામીના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ અત્રે દોડી આવ્યા હતા. ફાંસો ખાધેલી હાલતમાં લટકતા ગુણાતીતસ્વામીના મૃતદેહને સંતોએ તુરંત નીચે ઉતારી દીધો હતો અને ત્યારબાદ અત્રે આવેલા ગુણાતીત ચરણદાસ સ્વામીના સંબંધી કિશોરભાઈ નારણભાઈ ત્રાગડિયાએ આ બનાવ આપઘાતનો છે તેવી જાણ હોવા છતાં બપોરે બે વાગે તાલુકા પોલીસમાં ગુણાતીત સ્વામી બિમાર હોઈ અવસાન પામ્યા છે તેવી ખોટી માહિતી આપી હતી.

મંદિરના વિવાદના કારણે ડિપ્રેશનમાં હોઈ આપઘાત કર્યો

તાલુકા પોલીસ મથકમાં આજે હાજર રહેલા મંદિરના બે સંતો અને ટ્રસ્ટી સહિતની ત્રિપુટીએ પોલીસને જણાવ્યું હતું કે ગુણાતીત ચરણદાસ સ્વામી આશરે ૪૦ વર્ષથી હરિધામ સોખડામાં રહીને રસોડા સહિત અન્ય વિભાગોમાં સેવા આપી હતી. જાેકે તે પહેલેથી જ એકલવાયું જીવન જીવવાના અને ખપ પુરતી જ વાત કરવાની ટેવવાળા હતા. છેલ્લા નવ માસથી સોખડા મંદિરના ગાદીપતિના મુદ્દે જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને ગુણાતીતસ્વામી ભારે ડિપ્રેશનમાં રહેતા હતા અને તેના કારણે તેમણે આપઘાત કર્યો હોવાનું અમારુ માનવું છે.

સોખડામાં ડરનું વાતાવરણ ઃ લોકો ભયના ઓથાર હેઠળ ઃ અરજદાર

અમદાવાદ ઃ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. ગઇકાલે જ મંદિરમાં ગુણાતિત સ્વામીના મોત અંગેની જાણકારી પ્રબોધ સ્વામીના વકીલ દ્વારા હાઇકોર્ટની ખંડપીઠને આપવામાં આવી હતી. વકીલે જણાવ્યું હતું કે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો કે, સંસ્થાનું વાતાવરણ ડરનું થઇ ગયું છે. લોકો ડરના માહોલમાં જીવી રહ્યા છે. હાઇકોર્ટ સમક્ષ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે પ્રેમ સ્વરૂપ સ્વામીના એડવોકેટ સુધીર નાણાંવટી તરફથી નિવેદન કરવામાં આવ્યું કે ‘સમાધાનની ફોર્મ્યુલાની શક્યતાઓ અંગે ચર્ચા થઈ. હવે તેઓ પ્રેમ સ્વામીને સોખડા જઈ મળીને સમાધાન બાબતે ચર્ચા કરશે, પ્રેમ સ્વરૂપ સ્વામી સમાધાન માટે તૈયાર છે કે કેમ અને કયા પ્રકારના સમાધાનની ચર્ચા કરવા માંગે છે તે બાબતની જાણ અરજદારના વકીલને કરશે’.સુનાવણી દરમિયાન પ્રબોધ સ્વામીના વકીલ દ્વારા સોખડા મંદિરમાં એક સાધુના મોત અંગેનો ઉલ્લેખ પણ કરાયો હતો. સાધુનું મોત થયું તેઓ આગલા દિવસે સાંજે જ લટકતી હાલતમાં જાેવા મળ્યા હતા, તેવો દાવો કર્યો’. આ બાબતે સામા પક્ષે પ્રેમ સ્વરૂપ સ્વામીના સિનિયર વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે આ વાતનો ઉલ્લેખ તેઓ વ્યક્તિગત રીતે કરી શકતા હોત. તેઓ સમાધાનની ફોર્મ્યુલા અંગે ચર્ચા કરી રહ્યા છે, તેવામાં આ બાબતનો ઉલ્લેખ કરવો તે યોગ્ય નથી’.પ્રેમ સ્વામીના વકીલ દ્વારા એ પણ રજૂઆત કરી કે, ‘હવે મામલો સમાધાન ફોર્મુલા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આ અરજીનો નિકાલ થવો જાેઈએ કારણકે કોર્ટના આદેશ પ્રમાણે સાધુઓ મુક્ત થઈ ચૂક્યા છે અને હવે સમાધાન માટે લાંબો સમય નહીં લાગે. આ અરજી પેન્ડિંગ રહે તો લટકતી તલવાર સાથે કોઈ ર્નિણય લેવાય, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાશે’. જાેકે પ્રબોધ સ્વામીના વકીલ તરફથી કહેવામાં આવ્યું કે, જ્યાં સુધી આ અરજી છે, ત્યાં સુધી તેમને ન્યાયની આશાનું કિરણ છે’. આ બાબતે હવે વધુ સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે

ગુણાતીત સ્વામીનો મોબાઈલ ફોન એફએસએલમાં મોકલાશે

ગુણાતીત સ્વામીએ ખરેખરમાં આપઘાત કર્યો છે કે પછી તેમને આપઘાત કરવા માટે ફરજ પાડવામાં આવી છે તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે. ગુણાતીત સ્વામીએ કોઈ અંતિમચિઠ્ઠી લખી છે કે કેમ તેની તપાસ માટે તપાસ અધિકારી પીએસઆઈ બી જી લાંબરિયાએ ગઈ કાલે જ એફએસએલ મારફત ગુણાતીત સ્વામીની રૂમમાં તપાસ કરાવડાવી સંતોની હાજરીમાં લાશને ઉતારવાની ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. ગુણાતીત સ્વામી મોબાઈલ ફોન વાપરતા હોઈ તેમણે આપઘાત અગાઉ કોની સાથે વાત કરી હતી અને મોબાઈલમાં કોઈ ચેટીંગ છે કે કેમ તેની વિગતો મેળવવા માટે પોલીસે તેમના મોબાઈલને એફએસએલમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે.