વડોદરા, તા.૨૭

વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૩નું રૂા.૩૮૩૪ કરોડનું ડ્રાફ્ટ બજેટ આજરોજ મ્યુનિસિપલ કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરીજનોને માથે નવો કોઈ કરબોજ નાખવામાં આવ્યો નથી. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરબોજ વિનાનું બજેટ રજૂ કરાયું હતું. આ બજેટમાં ૧૩૩૦ કરોડના વિવિધ નવા વિકાસનાં કામો મૂકવામાં આવ્યાં છે. હવે સ્થાયી સમિતિ ચર્ચા-વિચારણા બાદ સામાન્યસભામાં મંજૂરી માટે રજૂ કરશે.

વડોદરા કોર્પોરેશનનું વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ કોર્પોરેશનની ચૂંટણી તેમજ કોરોના મહામારીના કારણે કર-દર વગરનું રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ ૨૦૨૧-૨૨નું રૂા.૩૬૮૧ કરોડનું રિવાઈઝડ અને વર્ષ ૨૦૨૨-૨૩નું ૩૮૩૪ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું હતું. વડોદરા કોર્પોરેશનમાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કરતાં મ્યુનિ. કમિનશરે આગામી વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન રૂા.૧૩૩૦ કરોડના વિવિધ વિકાસનાં કામો કરવાની નેમ વ્યક્ત કરી હતી.

વર્ષ ૨૦૨૧-૨૨માં વિવિધ વેરા પેટે ૪૮૪ કરોડનો રિવાઈઝડ લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે, જેની સામે ડિસેમ્બર સુધીમાં ૪૦૦ કરોડ જેટલી વસૂલાત થઈ છે. ત્યાર બાદ વર્ષ ૨૦૨૨-૨૩માં આ લક્ષ્યાંક વધારીને રૂા.૫૦૩ કરોડ કરવામાં આવ્યો છે. બજેટની વિગતો આપતાં મ્યુનિ. કમિનશરે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩માં કોર્પોરેશનના સ્વભંડોળ અને વિવિધ ગ્રાન્ટમાંથી રૂા.૧૩૩૦ કરોડનાં કામો કરવામાં આવશે. જેમાં પાણી-ડ્રેનેજનું નેટવર્ક, રોડ-રસ્તા તેમજ વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયેલ નવા ગામોમાં પ્રાથમિક સુવિધાના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્ટ ગેલેરી, મુખ્ય ફાયર સ્ટેશન સહિત બે ફાયર સ્ટેશન, સ્માર્ટ રોડ, ફલોટર સોલાર પેનલ પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં વિકાસનાં કામોનો અંદાજ રૂા.૧૧૦૨ કરોડ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં વિકાસનાં કામો માટે ફાળવાયેલ રકમ પૈકી મોટાભાગની રકમ એટલે કે ૧૩૩૦ કરોડ પૈકી ૪૬૫ કરોડ હાઉસિંગ, બિલ્ડિંગ તેમજ આવાસો માટે રર૮ કરોડ પુલો-રોડ-રસ્તા માટે, ૧૮૨ કરોડ ડ્રેનેજ માટે અને કોમ્યુટરાઈઝેશન માટે રૂા.૧૧૨.૫૨ કરોડ ફાળવાયા છે.

મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના સર્વાંગી સંતુલિત વિકાસ તથા જનસામાન્યને સ્પર્શતી વિવિધ સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને બજેટલક્ષી જરૂરી આયોજનો હાથ ધર્યાં છે. નગરજનોને મૂળભૂત આંતરમાળખાકિય સુવિધાઓ સુચારુ રૂપે મળી રહે તે માટે પાલિકા ચાલુ વર્ષે આયોજન કરવા કટિબદ્ધ છે. ઉપરાંત શહેરની હદમાં વધારો થતાં નવીન સમાવિષ્ટ ગામોને પણ સુવિધાઓ મળે તે માટેનું આયોજન બજેટમાં હાથ ધર્યું છે, સાથે ઘરવિહોણા લોકો, ફેરિયાઓ તથા ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો અને શહેરી ગરીબોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વડોદરા એક સાંસ્કૃતિક નગરી છે તથા ભવ્ય ભાતીગળ ઈતિહાસ ધરાવે છે તે બાબતને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન હાથ ધર્યું છે. આ ભવ્ય અને ઐતિહાસિક શહેરનું સાંસ્કૃતિક અને પર્યાવરણલક્ષી વાતાવરણ વધુ સુદૃઢ બને અને તમામ નાગરિકોનું જીવન સલામતી અને સગવડતાભર્યું બને તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તમામ બાબતોને આવરી લેવા માટે પૂરતું બજેટ ઉપલબ્ધ થાય, આવકના સ્ત્રોત મજબૂત થાય અને પાલિકાનું નાણાકીય સુદૃઢીકરણ થાય તે બાબતોને બજેટમાં વિસ્તૃત રીતે આવરી લેવામાં આવી હોવાનું કહ્યું હતું. તેમણે આ સરપ્લસવાળું બજેટ હોવાનું કહેતાં ર૮૩પ કરોડના ખર્ચના અંદાજ સામે ૨૬૩૬ કરોડ જેટલી આવકનો અંદાજ છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૧૯૮ કરોડના ઓપનિંગ બેલેન્સ અને ૯૯૮ કરોડ બાકી સિલકનો અંદાજ હોવાનું કહ્યું હતું.

જ્યારે ર૦રર-૨૩માં કોર્પોરેશન દ્વારા જમીનોના વેચાણ થકી રૂા.૧૩૧ કરોડ અને બોન્ડમાંથી રૂા.૧૦૦ કરોડની આવક મેળવવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ, બજેટમાં આંખે ઊડીને વળગે એવા એકાદ કામને બાદ કરતાં કોઈ મોટા કામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, સાથે આગામી વિધાનસભાની ચૂંટણી આવતી હોઈ વડોદરા મહાનગરપાલિકાનું કર-દર વિનાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી-ડ્રેનેજ સહિતની સુવિધા માટે ૫૯૪ કરોડનાં કામો કરાશે

વડોદરા શહેરમાં નવીન સમાવિષ્ટ વિસ્તારમાં વિકાસનાં કામો માટે રૂા. ૫૯૪ કરોડનો પ્રોજેકટ કેન્દ્ર, રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ દ્વારા નજીવા દરે સહાય મેળવીને પ્રયાસ કરાશે. જેમાં ઊંડેરા અને કરોડિયા ખાતે રૂા.૬૩ કરોડના ખર્ચે નવા એસટીપી, ઓપીએસ અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી, હરણી, દરજીપુરા, વડદલા, અંકોડિયા, ભાયલી, બિલ અને સેવાસી ખાતે રૂા.૨૦૯ કરોડના ખર્ચે એસટીપી, એપીએસ અને નેટવર્કની કામગીરી, ભાયલી, સેવાસી સહિત નવા સમાવિષ્ટ વિસ્તારોમાં રૂા.૨૪૫ કરોડના ખર્ચે નવીન સંપ, પંપ હાઉસ, ટ્રાન્સફોર્મર રૂમ, ફિડર નળિકા વગેરેની કામગીરી ઉપરાંત વેમાલીથી સુકન-૬ પાસેથી પસાર થતો તેમજ દુમાડ ચોકડી સુધીનો રસ્તો, સનફાર્માથી બિલ ગામ અને ભાયલીને જાેડવા બિલ પાસે આવેલ કેનાલ પરનો માઈનોર બ્રિજ સ્ટ્રીટલાઈટ સહિતના કામોનો સમાવેશ થાય છે.

આજવા ખાતે બે મેગાવોટ ક્ષમતાનો ફલોટર સોલાર પ્લાન્ટ બનાવાશે

નેશનલ સોલાર મિશનર અંતર્ગત સૌરઊર્જા દ્વારા વીજળી મળે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા સૌર જલ વિદ્યુતમ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. આ અંગે મ્યુનિ. કમિશનરે કહ્યું હતું કે, સૌર જલ વિદ્યુતમ થકી રાજ્યમાં સૌ પ્રથમ આજવા સરોવર ખાતે ર મેગાવોટ એટલે કે ર૦૦૦ કિલોવોટની ક્ષમતાના ફલોટર સોલાર પાવર પ્લાન્ટના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ કાયાર્ન્વિત થતાં આગામી રપ વર્ષ સુધી પ્રતિવર્ષે વીજબિલમાં અંદાજે રૂા.૧.૨૯ કરોડની બચત થશે, તેમજ પ્રત વર્ષે પર૦૦ મેટ્રિક ટન ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડી શકાશે. ઉપરાંત પાણી પુરવઠા અને ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રકચરનો મહત્તમ ઉપયોગ કરીને પાણીના સંપ, ટાંકીઓ વગેરે સ્થળે ઉપલબ્ધ જગ્યાઓ પર સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરાશે.

ચાર સ્થળે ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

શહેરમાં બેટરી ઓપરેટેડ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધતા પ્રદૂષણને ધ્યાને રાખીને શહેરમાં ઈ-વ્હીકલના વપરાશમાં વધારો થાય અને તેને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સહયોગથી વડોદરા શહેરમાં ચાર ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન વિકસાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં હાલમાં એક જ ઈલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશન છે.

જમીન વેચીને ૧૩૧ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક

વડોદરા. વડોદરા કોર્પોેેરેશન દ્વારા ચાલુ વર્ષે રૂા.૧૦૯ કરોડની જમીનોનું લેન્ડ મોનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. જ્યારે સંપાદન કરેલ જમીનના વળતર પેટે રૂા.૩૪.૧૬ કરોડ વડોદરા કોર્પોેરેશનને આપ્યા છે. ત્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં લેન્ડ મોનિટાઈઝેશન એટલે પાલિકાના વિવિધ પ્લોટોના વેચાણમાંથી રૂા.૧૩૧ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઉપરાંત અમૃત યોજના અંતર્ગત પ્રસ્તાવિત મ્યુનિસિપલ બોન્ડ દ્વારા પ્રથમ તબક્કામાં રૂા.૧૦૦ કરોડ ઉગવવા અંગેની કામગીરી પૂર્ણતાના આરે છે, જે ચાલુ વર્ષે નાણાં ઉગવવામાં આવશે.

મહેકમ ખર્ચ વધીને પર.૩૦ ટકા થશે

રૂપિયો ક્યાંથી આવશે? (પૈસા) ઓક્ટ્રોય ગ્રાન્ટ ૨૬.૫૬

ખાસ કાયદા મુજબની આવક ૧૭.૧૫

સામાન્ય કર ૧૪.૪૧

અન્ય ગ્રાન્ટ ૧૧.૪૫

વ્યાજ તથા ભાડું ૭.૬૬

પાણી કર/ચાર્જ ૬.૮૯

ડ્રેનેજ કર ૪.૧૫

વ્યવસાય વેરો ૩.૯૫

સફાઈ કર ૩.૧૮

પરચૂરણ આવક ૨.૩૨

અન્ય વેરા ૨.૨૮

કુલ પૈસા ૧૦૦.૦૦

રૂપિયો ક્યાં જશે ? (પૈસા)

મહેકમ ખર્ચ ૫૨.૩૦

નિભાવણી અને મરામત ૧૯.૨૬

પ્રાથમિક શિક્ષણ ૧૩.૬૦

વિદ્યુત ખર્ચ / લાઈટ બિલ ૭.૧૨

રેવન્યૂ બજેટમાંથી તબદીલ થવા પાત્ર વિકાસનાં કામો માટે ૪.૦૭

લોન ચાર્જિસ ૩.૩૦

પરચૂરણ ખર્ચ ૦.૩૫

કુલ પૈસા ૧૦૦.૦૦

બજેટની હાઈલાઈટ્‌સ મહત્તમ સેવાઓ હવે ઓનલાઈન કરાશે

• વિવિધ આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન

• ફાયર એનઓસીની અરજીઓ ઓનલાઈન

• કેટલ ઈન્ફોર્મેશન સિસ્ટમ ઓનલાઈન

• પાંચ સ્થળે કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થપાશે

• પ૦ પ્લોટોમાં ગ્રીન ફેન્સિંગ

• ૧૦૦ અર્બન ફોરેસ્ટ વિકસાવાશે

• પોળોની તેના ઈતિહાસ સાથેની તકતીઓ બનાવવામાં આવશે

• આજવા સરોવર ખાતે ર૦૦૦ કિલોવોટ ક્ષમતાનો ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ બનાવાશે

• ચાર ઈલેકટ્રીક વાહન ચાર્જિંગ સ્ટેશન વિકસાવાશે

• અતિથિગૃહ, ટાઉનહોલ, ઝૂ, સ્વિમિંગ પુલ સિટિઝન સેન્ટ્રીક સર્વિસીસ ઓનલાઈન કરવામાં આવશે

• ઓએફસી, પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા માટે ઓનલાઈન અરજી કરી શકાશે

વિકાસનાં કામો માટે સર્વિસ પ્રમાણે ખર્ચ

કામની વિગત ખર્ચ

બિલ્ડિંગ હાઉસિંગ, વેહીકલ પુલ ૪૬૪.૯૦

રોડ, પુલો તથા નાળા ૨૨૮.૭૮

ડ્રેનેજ ૧૮૨.૫૧

વીએમસી ફાળો ૧૧૦.૦૦

પાણી પુરવઠા ૧૦૭.૩૧

અન્ય વિકાસ ખર્ચ ૩૮.૪૧

વરસાદી ગટર ૩૭.૭૫

સ્ટ્રીટ લાઈટ ૩૨.૦૦

જમીન સંપાદન ૩૦.૧૦

આરોગ્ય, માર્કેટ અને જન્મ-મરણ ૨૭.૯૫

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ૨૬.૮૩

પાર્ક્સ અને ગાર્ડન ૨૧.૨૬

અગ્નિશામક ૧૯.૪૪

કોમ્પ્યુટરાઈઝેશન ૨.૫૨

કુલ ૧૩૨૯.૭૫

બદામડી બાગમાં આર્ટ ગેલેરી અને ફાયર સ્ટેશન બનાવાશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગ ખાતે આર્ટ ગેલેરીને તોડી પાડીને સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર બનાવ્યું છે. ત્યારથી વડોદરાના કલાકારોએ નવીન આર્ટ ગેલેરી બનાવવા માટે અનેક રજૂઆતો કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. ઉપરાંત વડોદરા શહેરનું મુખ્ય ફાયર સ્ટેશનને તોડી પડાયા બાદ હાલ ફાયર બ્રિગેડના વાહનો ખુલ્લામાં પડી રહે છે. ત્યારે બજેટમાં શહેરના કલાકારો માટે નવીન આર્ટ ગેલેરી ફરીથી બદામડી બાગ ખાતે બનાવવા ઉપરાંત બદામડી બાગ ખાતે જ નવીન ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત કરાઈ છે.

તાંબેકર વાડામાં પેઈન્ટિંગ મ્યુઝિયમનું આયોજન

વડોદરા. કલા અને સાંસ્કૃતિક નગરી તરીકેની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં પ્રવાસનને પ્રોત્સાહન મળે તે માટે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખી દર્શાવતો કલ્ચર અને બાયોડાયવર્સિટી પાર્ક વિકસાવવામાં આવશે. ઉપરાંત રાવપુરા વિસ્તારમાં તાંબેકર વાડા પાસે આવેલ ઐતિહાસિક ઈમારતનું રિનોવેશન કરી પેઈન્ટિંગ મ્યુઝિયમ બનાવવા અને કમાટીબાગ ઝૂ રિ-ડેવલપમેન્ટના ત્રીજા તબક્કામાં પ્રાણીઓ માટેના ક્વોરન્ટાઈન પિંજરા બનાવવા તેમજ વિવિધ કામગીરી સાથે ભારતીય અને વિદેશી પ્રજાતિઓના પક્ષીઓની ખરીદી કરવામાં આવશે. ઉપરાંત શહેરમાં આવેલ પોળ, શેરીઓ, મહોલ્લાઓ વગેરેના નામ સાથે ઈતિહાસ વણાયેલો છે. લગભગ ર૦૦૦ વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતી પોળોના નામ દર્શાવતી વિશિષ્ટ ડિઝાઈનવાળી તકતીઓ તૈયાર કરી તે પોળના સંક્ષિપ્ત ઈતિહાસ સાથે પ્રસ્થાપિત કરાશે.

બજેટ વાસ્તવિકતાથી ઘણું દૂર ઃ અમી રાવત

વડોદરા મ્યુનિ. કોર્પોેરેશનનું આજરોજ રજૂ થયેલું બજેટ વાસ્તવિક પરિસ્થિતિથી ઘણું દૂર હોવાનું વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જે યોજનાઓ અને વાતો કરી છે તે અગાઉના બજેટમાં પણ મૂકવામાં આવી હતી. પરંતુ તે પૈકી મોટાભાગના કામો થઈ શક્યા નથી. ગયા વર્ષની ૪૫૦ કરોડની ગ્રાન્ટ વાપરી શકાઈ નથી, જ્યારે હજુ ૮૫૦ કરોડની ગ્રાન્ટ વાપરવાની બાકી છે. બીજી તરફ સ્વર્ણિમની ૧૯૨ કરોડની ગ્રાન્ટ સામે ૨૯૨ કરોડના કામો મૂકવામાં આવ્યાં છે. પરંતુ તેમાંય હજુ ૧૦૦ કરોડના કામો પણ થઈ શકશે નહીં. જ્યારે સૌથી લાંબા બની રહેલા બ્રિજ માટે ર૮૯ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા આપવાની વાત હતી. જેમાંથી માત્ર રૂા.૭૬ કરોડ જ મળ્યા છે. આમ મોટી જાહેરાત બાદ આ બ્રિજના રૂપિયા પણ મળ્યા નથી. ઉપરાંત ૮૦ઃ૨૦ ના કામોની ગ્રાન્ટના નાણાં પણ સરકારમાંથી મળતા ન હોવાથી પ૦૦ જેટલી ફાઈલો પેન્ડિંગ હોવાનું કહેતાં બજેટમાં માત્ર વાતો અને જાહેરાતો છે અને વાસ્તવિક પરિસ્થિતિથી ઘણું દૂર છે તેમ તેમણે કહ્યું હતું.