12, જાન્યુઆરી 2021
વડોદરા, તા.૧૧
ઉત્તરાયણ પર્વ અંગે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈનના વિરોધમાં આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ જાહેરનામામાં ઉત્તરાયણ દરમિયાન ધાબા ઉપર ડી.જે. અને લાઈટિંગનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેના પગલે આ વ્યવસાય સાથે સંકળાયેલા ડી.જે. અને લાઈટિંગના વ્યાવસાયિકોએ ભેગા મળી આવેદનપત્ર આપ્યું હતું.
લૉકડાઉન દરમિયાન લગ્નપ્રસંગો, ધાર્મિક પ્રસંગો ઉપર પ્રતિબંધ લાદવામાં આવતાં લાંબા સમય સુધી વેપાર-ધંધા બંધ રહ્યા હતા. જેના કારણે ડી.જે. અને લાઈટિંગનો વ્યવસાય કરનારાઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા અને પરિવારજનોની પણ હાલત કફોડી બની હતી. હાલમાં સરકારે લગ્નપ્રસંગમાં પણ ઓછી હાજરી સાથે મંજૂરી આપી છે પરંતુ ડી.જે.ને મંજૂરી નથી જેને લઈને ડી.જે. સાઉન્ડ સિસ્ટમના સંચાલકો વિમાસણમાં મુકાયા છે.
ત્યારે ઉત્તરાયણ પર્વે પણ શહેરીજનો ધાબા ઉપર ડી.જે. સાઉન્ડ સિસ્ટમ અને લાઈટિંગનો આનંદ માણતા હોવાથી ધંધો મળી રહેવાની આશા વેપારીઓને ઊભી થઈ હતી પરંતુ પોલીસ કમિશનરના જાહેરનામામાં એની ઉપર પ્રતિબંધ લદાતાં એનો વિરોધ કરી લાઉડ સ્પીકર અને ડી.જે.ની મંજૂરી ઉત્તરાયણ દરમિયાન આપવા અને આગામી દિવસોમાં યોજાનાર લગ્નપ્રસંગોમાં પણ ડી.જે.ની મંજૂરી આપવા માગ કરતું આવેદનપત્ર પોલીસ ભવન જઈ પોલીસ કમિશનરને આપ્યું હતું.