વડોદરા, તા. ૧૯
વડોદરા. ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગલવાન સરહદ ઉપર થયેલી હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. જેને પગલે સમગ્ર દેશમાં ચીન વિરોધી ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે વડોદરાના યુવાનો દ્વારા વડોદરાના પોલીસ સ્ટેશનનો સહિત સરકારી ઇમારતો ઉપર લગાવવામાં આવેલા ચીની મોબાઇલ કંપનીઓના સાઇન બોર્ડ ઉતારી લેવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
વડોદરાના યુવાનો કિશોર શર્મા, ચિરાગ કડીયા, આકાશ ખ્રિસ્તી, અભિષેક ભારદ્વાજ, અતુલ પ્રજાપતિ, કુલદીપ વાઘેલા અને પ્રિન્સ સહિતના યુવાનોએ પોલીસ કમિશનરને પોલીસ સ્ટેશનનો ઉપર લગાવવામાં આવેલા ચીનની કંપનીઓના સાઇન બોર્ડ ઉતારી લેવા માટે આવેદનપત્ર આપ્યું હતું. અને પોલીસ ભવન ખાતે તેઓએ દેખાવો કરી તાત્કાલિક સાઇન બોર્ડ ઉતારી લેવાની માંગણી કરી હતી.
યુવાનોએ જણાવ્યું હતું કે, ભારતના ચીન સાથે સબંધો હોવા છતાં ચીનના સેનિકો સાથેની અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકોની શહીદી ચલાવી લેવાય નહીં. સમગ્ર દેશમાં ચીનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ચીનની ભારતમાં વેચાતી ચીજવસ્તુઓનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વડોદરાના પોલીસ મથકોમાં લગાવવામાં આવેલા ચીની મોબાઇલ કંપનીઓના સાઇન બોર્ડ તત્કાલ ઉતારી લેવામાં આવે તેવી અમારી માંગ છે.
Loading ...