લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026 |
2574
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની તમામ આશાઓ ફરી એકવાર રોળાઈ ગઈ છે. બંને દેશો વચ્ચે કોઈ ડીલ પાકી થાય તે પહેલાં જ ફરી એકવાર ભયાનક સૈન્ય સંઘર્ષ શરૂ થઈ ગયો છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાં એક કન્ટેનર જહાજ M/V GFS Galaxy ને નિશાન બનાવવામાં આવ્યા બાદ, અમેરિકાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઈરાન વિરૂદ્ધ જાેરદાર જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ એક જ સપ્તાહમાં ત્રીજી વખત ઈરાન પર મોટા હવાઈ હુમલા કર્યા છે. જેમાં ઈરાનના ૧૪૦ થી વધુ લશ્કરી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. આ હુમલા બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.
અમેરિકાના આકરા પ્રહાર બાદ ઈરાને પણ તુરંત જ જવાબી મોરચો ખોલી દીધો છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત , કુવૈત, કતાર અને બહેરીન તરફ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. UAE એ જણાવ્યું કે તેની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. જેના કારણે સમગ્ર દેશમાં પ્રચંડ ધડાકા સંભળાયા હતા. કતાર અને બહેરીનમાં પણ કટોકટીની સ્થિતિ જાહેર કરીને નાગરિકોને તુરંત જ સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવા માટે સાયરન વગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓમાનના દુક્મ પોર્ટ પર પણ હુમલો કરાયો હોવાના અહેવાલ છે.ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)) એ દાવો કર્યો છે કે તેમણે ઈઝરાયલના પડોશી દેશ જાેર્ડનમાં આવેલા પ્રિન્સ હસન એરબેઝ સ્થિત અમેરિકી સૈન્ય સુવિધાઓ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી છે.
આ હુમલામાં અમેરિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને મિલિટરીના અત્યાધુનિક સ્ઊ-૯ ડ્રોન રાખવાના હેંગરને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કરાયો છે. જાેકે આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ દિવસની સળંગ કાર્યવાહીમાં ઈરાનના ૩૦૦ થી વધુ મિલિટરી લોકેશન્સને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તાજેતરના હુમલામાં ઈરાનના મિસાઈલ લોન્ચિંગ સાઈટ્સ, ડ્રોન ડેપો, નેવી બેઝ, હથિયાર ભંડાર અને કમ્યુનિકેશન નેટવર્કને ભારે નુકસાન પહોંચ્યું છે. ઈરાનના સરકારી મીડિયા મુજબ હોર્મોઝગાન અને બુશેહર પ્રાંતના જાસ્ક, અસાલુયેહ અને કંગાન જેવા વિસ્તારોમાં ૧૦ થી વધુ પ્રચંડ વિસ્ફોટો સંભળાયા છે. હાલ આ હુમલાઓમાં કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી.