કાબૂલ-

તાલિબાની આતંકવાદથી ત્રસ્ત થઇ ચૂકેલા અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી નાગરિકોની હત્યાઓના કેસ વધવા લાગ્યા છે. અહીં આતંકીઓ દ્વારા સરકારી અધિકારીઓ, નેતા કે અન્ય સામાજીક રીતે લોકપ્રિય લોકોની હત્યાઓ કરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં જ ત્રણ મહિલા પત્રકારોની અલગ અલગ સ્થળોએ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મહિલા પત્રકારો એક સ્થાનિક રેડિયો અને ટીવી સ્ટેશન માટે પત્રકારત્વનું કામ કરતી હતી.

આ હત્યાઓ પાછળ તાલિબાની આતંકી સંગઠનોનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટએ આ મહિલા પત્રકારોની હત્યાઓની જવાબદારી ઉઠાવી હતી. આઇએસઆઇએસએ મંગળવારે મોડી રાતે આ મહિલા પત્રકારોની હત્યાઓની જવાબદારી લેતા સંદેશ છોડ્યો હતો કે, આ મહિલા પત્રકારોની હત્યા એટલા માટે કરવામાં આવી કારણ કે તેઓ ધર્મનો ત્યાગ કરી ચૂકેલી અફઘાન સરકારની વફાદાર મીડિયા માટે કામ કરી રહી હતી. આ પહેલા પણ આતંકી સંગઠને ડિસેમ્બરમાં આજ મીડિયા હાઉસમાં કામ કરતી મહિલા પત્રકારની ર્નિમમ હત્યા કરી હતી. આ અંગે અફઘાનિસ્તાને દાવો કર્યો હતો કે આ હત્યાઓ માટે તાલિબાન જવાબદાર છે, કારણ કે સ્થાનિક પોલીસ ત્રણે હત્યાઓ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, જે પછી તેમની ઓળખ કારી બસર તરીકે સામે આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કારી બસર તાલિબાની આતંકવાદી છે, પરંતુ તાલિબાને આ હત્યાઓ કરી હોવાના દાવાને નકાર્યો હતો.