દિલ્હી-

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના સંગઠન હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં હવે ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં પોતાના સૈનિકો મોકલવાનુ એલાન કર્યુ છે. જેના કારણે આ સંઘર્ષ વધારે ઉગ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે.

અત્યાર સુધી હમાસ દ્વારા ઈઝરાયેલના વિવિધ શહેરો પર રોકેટસ લોન્ચ કરવામાં આવી રહ્યા હતા અને ઈઝરાયેલે તેનો જવાબ સામે હવાઈ હુમલા કરીને આપ્યો હતો. જોકે હવે ઈઝરાયેલે પોતાના 9000 સૈનિકોને સંભવિત જમીની આક્રમણ માટે તૈયાર રહેવા કહ્યુ છે. જો ઈઝરાયેલના સૈનિકોએ ગાઝામાં બોર્ડર ઓળંગીને કાર્યવાહી કરી તો પરિસ્થિતિ વધારે સ્ફોટક પણ બની શકે છે. ઈજિપ્ત દ્વારા હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના ઘર્ષણમાં યુધ્ધ વિરામ કરાવવાનો પ્રત્ન થઈ રહ્યો છે પણ વાત આગળ વધી રહી નથી. બીજી તરફ ઈઝરાયેલમાં આરબો અને યહૂદીઓ વચ્ચે છેલ્લા ચાર દિવસથી કોમી હિંસા પણ ફાટી નીકળી છે. લોડ શહેરમાં ઠેર ઠેર જૂથ અથડામણો થઈ છે અને પોલીસની મોજુદગી વધાર્યા પછી પણ અહીંયા હિંસા ચાલુ છે. દાયકાઓ બાદ આ પ્રકારની હિંસા જોવા મળી રહી છે.